જન્માષ્ટમી પ્રસાદ માટે આ રીતે બનાવો પંજરી, લડ્ડુ ગોપાલનો પ્રિય ભોગ, સ્વાદ અને સ્વાસ્થ્યનો અદ્ભુત ખજાનો
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર કાન્હાજીને પંજરીનો ભોગ ધરાવવાનું વિશેષ મહત્વ છે. ધાણા પાવડર, મખાના, ડ્રાયફ્રૂટ્સ અને દેશી ઘીમાંથી બનતો આ પવિત્ર પ્રસાદ પાચન માટે ઉત્તમ અને ઉર્જાથી ભરપૂર છે. જાણો ઘરે સરળતાથી બનાવવાની સંપૂર્ણ રેસિપી.

જન્માષ્ટમીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને મધ્યરાત્રિએ 12 વાગ્યે કાનુડાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરે છે તેમજ લડ્ડુ ગોપાલને પારણામાં ઝુલાવે છે. આ દિવસે ઠાકોરજીને વિવિધ પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે, પરંતુ પંજરી વગર જન્માષ્ટમીનો ભોગ અધૂરો માનવામાં આવે છે. આ પ્રસાદ ફરાળી હોવાથી વ્રત-ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. જો તમને ઘરે પંજરી બનાવતા ન આવડતી હોય, તો આ સરળ રેસિપી દ્વારા તમે ઉત્તમ પ્રસાદ તૈયાર કરી શકો છો.

પંજરી બનાવવા માટેની સામગ્રી: સવા કપ આખા સૂકા ધાણાનો તાજો પીસેલો પાવડર, અડધો કપ મખાના, ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ, પિસ્તા), 1 ચમચી ચારોળી (ચિરોંજી), અડધો કપ કરકરી પીસેલી ખાંડ અથવા બૂરું ખાંડ, 1/4 કપ ઝીણું સમારેલું સૂકું નાળિયેર (કોપરું), અડધો કપ શુદ્ધ દેશી ઘી.

પંજરી બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનમાં 2 મોટા ચમચી દેશી ઘી ગરમ કરો. તેમાં તાજો પીસેલો ધાણા પાવડ ઉમેરી ધીમી આંચ પર સુગંધ આવે અને રંગ સહેજ ઘેરો બદામી થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. હવે તે જ પેનમાં થોડું ઘી ઉમેરીને મખાના ક્રિસ્પી (કુરકુરા) થાય ત્યાં સુધી શેકી લો. મખાના ઠંડા થાય એટલે તેને મિક્સરમાં કરકરા પીસી લો. ત્યારબાદ એક મોટા વાસણમાં શેકેલો ધાણા પાવડર અને પીસેલા મખાના ભેગા કરો. તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ, ચારોળી, કોપરું અને પીસેલી ખાંડ ઉમેરીને તમામ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લો. લડ્ડુ ગોપાલ માટે સ્વાદિષ્ટ અને પવિત્ર ધાણા પંજરીનો પ્રસાદ તૈયાર છે. તેમાં તુલસીદલ પધરાવી ઠાકોરજીને ભોગ ધરાવો.

પંજરી ખાવાના સ્વાસ્થ્ય લાભ: પંજરી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ પોષક તત્વોથી પણ ભરપૂર છે. ધાણા, મખાના, ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘીનું મિશ્રણ શરીરને ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે. ઉપવાસ દરમિયાન તે નબળાઈ દૂર કરવામાં મદદરૂપ બને છે. મખાના અને ડ્રાયફ્રૂટ્સ શક્તિ આપે છે, જ્યારે ધાણા પેટની ગરમી શાંત કરી પાચનતંત્રને સુધારે છે.

વ્રજભૂમિમાં જન્માષ્ટમી પર આ પ્રસાદ અર્પણ કરવાની પ્રાચીન પરંપરા છે. એવી માન્યતા છે કે જન્માષ્ટમીનું વ્રત કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.
જન્માષ્ટમી પહેલાં કાળા પડેલા કાનુડાની મૂર્તિ ફરી સોના જેવી ચમકશે, અજમાવો આ સરળ અને અચૂક ઘરેલુ નુસ્ખા
