જન્માષ્ટમી
કૃષ્ણ જન્માષ્ટમી જે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક ધાર્મિક તહેવાર છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આથી આ દિવસે રાત્રિ પૂજાનું વિશેષ મહત્વ છે. લોકો જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખે છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને રાત્રે 12 વાગ્યે પારણુ ઝુલાવવામાં આવે છે.
જન્માષ્ટમીનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે. ભગવાન શ્રી કૃષ્ણને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. જેમનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમના રોજ, કંસના વધતા જતા અત્યાચારોથી મુક્ત કરવા માટે થયો હતો. તેથી, જન્માષ્ટમીનો દિવસ ભગવાન કૃષ્ણની ઉપાસના માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે.