Trending Video: દુનિયાની સૌથી ‘મોટી પેન્સિલ’! 3 માળની બિલ્ડિંગ પણ નાની પડી જાય, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ
નાનપણમાં ચિત્રો દોરવા માટે રંગીન પેન્સિલનો ઉપયોગ તો આપણે બધાએ કર્યો જ હશે. હવે શું તમે ક્યારેય એવી પેન્સિલ જોઈ છે કે, જેની લંબાઈ આગળ 3 માળની ઈમારત પણ નાની પડી જાય? હા, દુનિયાની સૌથી મોટી રંગીન પેન્સિલનો નવો વર્લ્ડ રેકોર્ડ સામે આવ્યો છે. સામાન્ય પેન્સિલ કરતાં અનેક ગણી મોટી આ પેન્સિલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

નાનપણમાં તમે રંગ પૂરવા માટે રંગીન પેન્સિલનો ઉપયોગ જરૂર કર્યો હશે. નાની એવી પેન્સિલથી બાળકો કાગળ પર સુંદર ચિત્રો બનાવે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, એક રંગીન પેન્સિલ એટલી લાંબી હોઈ શકે કે તેની સામે ત્રણ માળની બિલ્ડિંગ પણ નાની પડી જાય?
જો નહીં, તો હવે વિચારી લો… કારણ કે દુનિયાની સૌથી મોટી રંગીન પેન્સિલ બનાવીને એક કંપનીએ એવો કારનામો કરી બતાવ્યો છે કે, જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ શકે છે. દુનિયાની સૌથી મોટી આ કલર્ડ પેન્સિલના વીડિયોને ગિનીસ વર્લ્ડ રેકોર્ડે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
34 ફૂટથી વધુ લાંબી છે આ પેન્સિલ
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) ના જણાવ્યા અનુસાર, દુનિયાની સૌથી મોટી રંગીન પેન્સિલની લંબાઈ 10.53 મીટર (34 ફૂટ 6 ઈંચ) છે. તેની પહોળાઈ લગભગ 0.50 મીટર એટલે કે 19 ઈંચ છે. આ વિશાળ પેન્સિલને થાઈલેન્ડની કંપની ડીએચએ સિયામવાલા લિમિટેડે (DHA Siamwalla Ltd.) બનાવી છે.
આ રેકોર્ડ 28 મે 2026 ના રોજ થાઈલેન્ડના અયુથયા ખાતે બનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે જે રંગીન પેન્સિલને આપણે હાથમાં પકડીને કાગળ પર રંગ પૂરીએ છીએ, તેની સરખામણીમાં આ પેન્સિલ કોઈ પહાડ જેવી છે.
View this post on Instagram
સામાન્ય પેન્સિલથી 62 ગણી મોટી
આ વિશાળ રંગીન પેન્સિલની સૌથી ખાસ વાત એ છે કે, તે પોતાની મૂળ પ્રોડક્ટ કરતાં લગભગ 62 ગણી મોટી છે. ટૂંકમાં, જે રંગીન પેન્સિલનો ઉપયોગ બાળકો અને કલાકારો રોજિંદા જીવનમાં કરે છે, તે જ કદને અનેક ગણું વધારીને એક વિશાળ રૂપ તૈયાર કરવામાં આવ્યું છે.
હવે જરા વિચારો, એક નાની એવી પેન્સિલ જેને સરળતાથી હાથમાં પકડી શકાય છે, જો તે 34 ફૂટથી વધુ લાંબી થઈ જાય, તો તેનું કદ કેટલું મોટું હશે? બસ આ રેકોર્ડે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
રંગોની દુનિયામાં અનોખો રેકોર્ડ
કલર્ડ પેન્સિલ માત્ર લખવા કે ચિત્ર બનાવવાનો સામાન નથી પરંતુ તે સર્જનાત્મકતા (ક્રિએટિવિટી) અને કળા સાથે પણ જોડાયેલી છે. બાળકોથી લઈને પ્રોફેશનલ કલાકારો સુધી, ઘણા લોકો તેનો ઉપયોગ પોતાની કલ્પનાઓને કાગળ પર ઉતારવા માટે કરે છે.
એવામાં એક વિશાળ રંગીન પેન્સિલ બનાવવી એ માત્ર કદ વધારવાનું કામ નથી પરંતુ રોજિંદા જીવનની વસ્તુને એક અલગ અંદાજમાં રજૂ કરવાનો રસ્તો પણ છે. થાઈલેન્ડની DHA Siamwalla Ltd. એ આ જ સામાન્ય પ્રોડક્ટને ખાસ કદ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
