Indian Folk Carnival : દેશના 1000થી વધુ લોક કલાકારો સાથે ત્રણ દિવસનો મહોત્સવ!
દેશભરના લોકનૃત્ય અને લોકકલાના કલાકારોને રાષ્ટ્રીય મંચ મળી રહે તે હેતુથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

આપણી વિસરાતી જતી લોકકલાને મલ્ટી મીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી પહોંચાડવા માટે આ પ્રયોગ થઈ રહ્યો છે. જેમાં 3 દિવસ તારીખ 30 અને 31 મે તેમજ 1 જૂન દરમિયાન અમદાવાદની કર્ણાવતી ક્લબમાં લોકનૃત્યના 1000થી વધારે કલાકારો પરફોર્મ કરશે.

આમાં ગુજરાતના તમામ પ્રાંતના પરંપરાગત લોકનૃત્યો જોવા મળશે. તદુપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિસા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોના લોક કલાકારો પણ પોતાની સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરશે.

ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દેશની એકમાત્ર એવી સંસ્થા છે કે જેની સાથે 5,000થી પણ વધુ લોક કલાકારો જોડાયેલા છે. આ કલાકારોને દેશ-વિદેશમાં પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ સંસ્થા કરી રહી છે. આ સંસ્થાના સ્થાપક અને લોકકલાવિદ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે આ કાર્નિવલ માટે જણાવ્યું કે, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનું મંચ છે. આ મંચ તળના કલાકારો પાસે રહેલી ટોચની કળા પીરસવાનું ભારતનું સૌથી મોટું મંચ છે.

આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રસિંહ જાદવે આ શો બાબતે જણાવ્યું કે, આપણી લોકકલા GEN Zથી આગળ વધીને GEN ALPHA અને GEN BETA સુધી પહોંચ્યા બાદ પણ પ્રફુલ્લિત રહે તે માટે આ અનોખું આયોજન થઈ રહ્યું છે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે ગુજરાતના લોકનૃત્યો, બીજા દિવસે આદિવાસી લોકનૃત્યો અને ત્રીજા દિવસે દેશના જુદાં જુદાં રાજ્યોના પરંપરાગત લોકનૃત્યો પરફોર્મ કરવામાં આવશે.

વિશાળ LED screen પર કોન્સેપ્ચ્યુઅલ વિઝ્યુલ ડિઝાઇન, સુપર્બ સાઉન્ડ સિસ્ટમ, લેટેસ્ટ લાઇટિંગ સાથે આ સમગ્ર કાર્યક્રમ યોજાશે. આ બાબતે વાત કરતા ઈવેન્ટ ડિરેક્ટર અને ધ વિઝ્યુઅલાઈઝરના ફાઉન્ડર જિતેન્દ્ર બાંધણિયાએ જણાવ્યું કે, આ એક એવો શો છે કે જેનાથી બે જનરેશન કનેક્ટ થશે. અત્યારની પેઢી કલાની ચાહક છે બસ તેમને તેમના અંદાજમાં દેખાડવું પડે છે.

3 દિવસના આ શોમાં 2 વર્કશોપ, 2 આર્ટ ગેલેરી, 10થી વધુ એવોર્ડ, 1000થી વધુ કલાકારો અને 50થી વધુ પરંપરાગત ડાન્સ-ફૉર્મ જોવા મળશે. આ શો દ્વારા વિસરાતી જતી લોકકલાને રાષ્ટ્રીય મંચ મળશે. કલાચાહકો માટે આ કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી છે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. પાસ માટે 9016031743 નંબર પર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકાશે. તો આવો મળીએ અને માણીએ ઈન્ડિયન ફોક કાર્નિવલ.