એક દિવસમાં વધુમાં વધુ કેટલા સુધીની રોકડ લેવડદેવડ કરી શકાય ? ઇન્કમ ટેક્સ વિભાગનો આ નિયમ તમને ખબર છે કે નહીં ?
આજના સમયમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. એવામાં સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગ બંને રોકડ વ્યવહારો (Cash Transaction) પર નજર રાખી રહ્યા છે.

કેટલીકવાર લોકો જાણ્યા વિના મોટી રકમ રોકડમાં ટ્રાન્સફર કરે છે, જે ઇન્કમ ટેક્સ કાયદા (Act) નું ઉલ્લંઘન સાબિત થઈ શકે છે. આથી મહત્વનું એ છે કે, તમે રોકડ મર્યાદા (Cash Limit) સંબંધિત નિયમોને સારી રીતે સમજો, જેથી ભવિષ્યમાં કોઈપણ પેનલ્ટી અથવા નોટિસથી બચી શકાય.

ઇન્કમ ટેક્સ એક્ટ 269ST મુજબ કોઈ વ્યક્તિ એક દિવસમાં ફક્ત ₹2 લાખ સુધીના રોકડ વ્યવહાર (Cash Transaction) કરી શકે છે. આનો અર્થ એ થયો કે, એક દિવસમાં એક વ્યક્તિ પાસેથી ₹2 લાખથી વધુ રોકડ સ્વીકારવી એ નિયમોનું ઉલ્લંઘન હશે. આ નિયમ કોઈપણ સ્વરૂપમાં પ્રાપ્ત થતી રોકડ પર લાગુ પડે છે. સરળ રીતે કહીએ તો, ગિફ્ટ હોય, લોન હોય, બિઝનેસ પેમેન્ટ હોય કે પછી બીજા કોઈપણ ટ્રાન્ઝેકશન હોય, દરેકમાં આ નિયમ લાગુ પડે છે.

ઉદાહરણ તરીકે, જો તમે ₹3 લાખ રોકડ આપો છો અથવા પ્રાપ્ત કરો છો, તો ઇન્કમ ટેક્સ વિભાગ તેને જપ્ત કરી શકે છે. આ પછી તમને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી શકે છે, જેમાં તે રોકડની વિગતો અંગે પૂછવામાં આવે છે.

ટેક્સ વિભાગ વિવિધ રોકડ વ્યવહારો પર નજર રાખે છે, જેમાં મુખ્યત્વે એક વર્ષમાં ₹10 લાખથી વધુની બેંક ડિપોઝિટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ₹1 લાખથી વધુ રોકડમાં ક્રેડિટ કાર્ડ બિલનું ભરેલું હોય, ₹30 લાખ કે તેથી વધુ કિંમતની મિલકતની રોકડમાં ખરીદી અથવા વેચાણ, ₹50,000થી વધુ કિંમતની ગિફ્ટ રોકડમાં લીધી હોય અથવા તો મળી હોય અને ગ્રાહક પાસેથી ₹2 લાખથી વધુની રોકડ લીધેલ હોય તેવા બિઝનેસ ટ્રાન્ઝેકશન પણ ટેક્સ વિભાગની દેખરેખ હેઠળ આવે છે.

જો કોઈ વ્યક્તિ કલમ 269STનું ઉલ્લંઘન કરે છે, તો તેને મળેલી રોકડ જેટલી જ રકમનો દંડ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે ₹2.5 લાખ રોકડમાં સ્વીકાર્યા હોય, તો દંડ પણ આશરે ₹2.5 લાખ જેટલો થશે.

આ નિયમ 'સેલેરીડ હોય કે બિઝનેસમેન' તમામ વ્યક્તિઓને લાગુ પડે છે. ટેક્સ નિષ્ણાતો કહે છે કે, સામાન્ય રોકડ ટ્રાન્ઝેકશન જો લિમિટથી વધુ હોય તો તે પણ ટેક્સ વિભાગની તપાસ હેઠળ આવી શકે છે.

ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ ટાળવા માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સૌ પ્રથમ તો, બધા મોટા ટ્રાન્ઝેકશન ઓનલાઈન અથવા બેંકિંગ દ્વારા કરવા જોઈએ. બીજું કે, બિલથી લઈને રસીદ સુધી દરેક પેમેન્ટનો રેકોર્ડ રાખવો જરૂરી છે.

વધુમાં, જો ગિફ્ટ આપવામાં કે લેવામાં આવે અથવા લોનને લગતા ટ્રાન્ઝેકશન થાય, તો તે લેખિતમાં રાખો. છેલ્લે, જો કોઈ કારણોસર રોકડ વ્યવહાર કરવો પડે છે, તો સરકારે નક્કી કરેલ રોકડની લિમિટ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.
આ પણ વાંચો: RBI એ ઓફલાઇન ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો, હવે ઇન્ટરનેટ વિના પણ ચુકવણી કરી શકાશે, જાણો સંપૂર્ણ વિગતો
બિઝનેસને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
