દિવાળીમાં ‘વેલ્થ પ્લાનિંગ’ ! ‘મ્યુચ્યુઅલ ફંડ’ ગિફ્ટમાં આપી શકાય કે નહીં ? આ કિંમતી ભેટ આપવાની પ્રોસેસ શું છે ?
આ દિવાળી પર જો તમે મીઠાઈ કે ગિફ્ટ હેમ્પરને બદલે કોઈ ખાસ કિંમતી ભેટ આપવા માંગતા હોવ, તો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ એક બેસ્ટ ઓપ્શન છે. હવે સવાલ એ છે કે, આ યુનિટ્સ ગિફ્ટમાં આપી શકાય? જો હા, તો આને લગતી પ્રોસેસ શું છે?

દિવાળીમાં મીઠાઈ અને ગિફ્ટ હેમ્પર તો બધા આપે છે પરંતુ ક્યારેય મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ગિફ્ટમાં આપ્યા તેવું સાંભળ્યું છે? હા, તમે તમારા ડીમેટ એકાઉન્ટમાં રાખેલા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ સીધા બીજા કોઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.

આ દિવાળી પર તમે તમારા ડિમેટ એકાઉન્ટમાં રહેલા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ તમારા પ્રિયજનોને ભેટમાં આપી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ બીજા વ્યક્તિના એક્ટિવ ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ગિફ્ટમાં આપવા એ સંપૂર્ણપણે એક નવો અને રસપ્રદ વિકલ્પ છે. આના માટે તમારે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

આશ્ચર્યજનક વાત એ છે કે, જો તમે તમારા પરિવારના સભ્યો અથવા મિત્રોને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ગિફ્ટમાં આપવા માંગતા હોવ, તો તમે આ કામ ડિમેટ એકાઉન્ટ વિના પણ કરી શકો છો. જણાવી દઈએ કે, આ પ્રોસેસને 'નોન-ડિમેટ ટ્રાન્સફર' કહેવામાં આવે છે, જેમાં યુનિટ્સ સીધા એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) અથવા તેના રજિસ્ટ્રાર (RTA) દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ગિફ્ટ આપવા માટે રોકાણકારે AMC અથવા RTA ને 'ટ્રાન્સફર રિક્વેસ્ટ ફોર્મ' અથવા તો 'લેખિત અરજી' સબમિટ કરવી પડે છે. આમાં ફોલિયો નંબર, સ્કીમનું નામ, ટ્રાન્સફર કરવાના યુનિટ્સની સંખ્યા અને રિસીવરની માહિતી, જેમ કે PAN, KYC અને બેંક વિગતોનો સમાવેશ થાય છે.

કેટલીકવાર, AMC બંને પક્ષો પાસેથી દસ્તાવેજ અથવા ફિઝિકલ વેરિફિકેશન માટે પણ પૂછી શકે છે. આ ટ્રાન્સફર મંજૂર થઈ જાય પછી યુનિટ્સ રિસીવરના ફોલિયોમાં જોડવામાં આવે છે અને બંને પક્ષોને કન્ફર્મેશન સ્ટેટમેન્ટ મળી જાય છે.

ટેક્સ નિયમો અનુસાર, સંબંધીઓ (જીવનસાથી, બાળકો, માતાપિતા, ભાઈ-બહેન) ને આપવામાં આવતી ગિફ્ટ પર કોઈ ટેક્સ લાગતો નથી. ધ્યાન રાખવા જેવું એ છે કે, જો ગિફ્ટની રકમ ₹50,000 થી વધુ હોય અને રિસીવર સંબંધી ન હોય, તો તે "ઇન્કમ ફ્રોમ અધર સોર્સ" હેઠળ ટેક્સેબલ ગણવામાં આવે છે. વધુમાં, જ્યારે રોકાણકાર (receiver) પોતાના મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ વેચે છે, ત્યારે ‘કેપિટલ ગેઇન ટેક્સ’ લાગુ પડે છે. આ ટેક્સની ગણતરી યુનિટ્સની ખરીદ કિંમત અને તેની તારીખના આધારે નક્કી થાય છે.

નોન-ડિમેટ ટ્રાન્સફરના ઘણા ફાયદા છે. યુનિટ્સ સીધા AMC સાથે જોડાયેલા રહે છે, જેનાથી બ્રોકર અથવા ટ્રેડિંગ એકાઉન્ટની જરૂર પડતી નથી. પરિવારના સભ્યો માટે રોકાણ ટ્રાન્સફર કરવાની આ એક સરળ રીત છે અને રિસીવરને રોકાણની આદત તેમજ કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે. વધુમાં, વધારાની બ્રોકર ફી પણ બચી જાય છે.

જો કે, ગિફ્ટ આપનાર અને રિસીવર બંનેનું KYC કમ્પ્લાયન્ટ હોવું જોઈએ. આ ઉપરાંત રિસીવર પાસે AMC સાથેનો હાલનો ફોલિયો હોવો જરૂરી છે અથવા તો નવો ફોલિયો ખોલાવો જરૂરી છે. વધુમાં જોઈએ તો, ELSS અથવા ક્લોઝ્ડ-એન્ડ સ્કીમ્સ જેવી કેટલીક સ્કીમમાં લોક-ઇન પીરિયડ દરમિયાન યુનિટ્સને ટ્રાન્સફર કરવાની મંજૂરી મળતી નથી.

ભવિષ્યમાં ટેક્સને લગતી મુશ્કેલીઓ ટાળવા માટે બધા દસ્તાવેજો સાચવવા પણ જરૂરી છે. બસ આ રીતે તમે 'નોન-ડિમેટ ટ્રાન્સફર' દ્વારા તમારા પ્રિયજનોને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ગિફ્ટમાં આપી શકો છો. આમાં ટ્રાન્ઝેક્શન ફી તરીકે ટ્રાન્સફર વેલ્યૂના 0.03% અથવા તો ₹25, જે વધારે હોય તે વસુલ થાય છે. આ ઉપરાંત, GST લાગુ પડે છે અને 0.015% સ્ટેમ્પ ડ્યુટી બધા ટ્રાન્સફર પર પણ લાગુ પડે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં, શેરમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
