HALને સરકાર તરફથી મળ્યો 13 હજાર કરોડનો ઓર્ડર, શેરમાં આવી તેજી, જાણો આજનો ભાવ
સંરક્ષણ ક્ષેત્રની દિગ્ગજ કંપની HALને સરકાર તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. વાસ્તવમાં, ભારતીય વાયુસેના માટે રશિયન મૂળના Su-30MKI જેટ ખરીદવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર અને HAL વચ્ચેની આ ડીલની અસર આજે શેર પર જોવા મળી રહી છે.

સંરક્ષણ મંત્રાલયે 12 સુખોઈ જેટ ખરીદવા માટે મોટી સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે રૂ. 13,500 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે 62.6 ટકા એરક્રાફ્ટ ઘરેલુ સામગ્રીથી બનેલા હશે. ભારતીય વાયુસેના માટે રશિયન મૂળના Su-30MKI જેટ ખરીદવામાં આવી રહ્યા છે. આ જેટ હવે એચએએલ દ્વારા આંતર-સરકારી માળખા હેઠળ બનાવવામાં આવી રહ્યા છે. સરકાર અને HAL વચ્ચેની આ ડીલની અસર આજે શેર પર પણ જોવા મળી રહી છે. HALના શેરે એક વર્ષમાં 68 ટકા વળતર આપ્યું છે.

સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું આ એરક્રાફ્ટમાં 62.6 ટકા સ્થાનિક સામગ્રી હશે, જ્યારે મુખ્ય ઘટકો ભારતીય સંરક્ષણ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવશે. નિવેદન અનુસાર, ભારતની આત્મનિર્ભરતાની યાત્રામાં આ એક અન્ય સીમાચિહ્નરૂપ છે, જે આપણા સશસ્ત્ર દળોની ક્ષમતામાં વધારો કરશે.

ગુરુવારે ટ્રેડિંગ સેશન દરમિયાન HALનો શેર રૂ. 4,659 પર બંધ થયો હતો. ત્યારે હવે ડિલ થતા જ શેરમાં 0.65%નો વધારો જોવા મળ્યો છે. સમાચાર લખતા આ શેર હાલ 4690 પર ટ્રેડ કરી રહ્યો છે. આ વર્ષે ડિફેન્સ પીએસયુના શેરમાં 65.79 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ડિફેન્સ પીએસયુનો 52 સપ્તાહનો હાઈ રૂ 5674.75 અને 52 સપ્તાહનો નીચો રૂ. 2,585.00 છે. શેરે છેલ્લા એક વર્ષમાં 68 ટકા વળતર આપ્યું છે. HALનું માર્કેટ કેપ 3.13 લાખ કરોડ રૂપિયા છે.

આ વધારો એવા સમયે જોવા મળ્યો હતો જ્યારે શેરબજારની ગતિ ધીમી હતી. દરમિયાન સ્થાનિક બ્રોકરેજ આનંદ રાઠીએ આ શેર માટે રૂ. 4950નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. આ સાથે બ્રોકરેજે શેર ખરીદવાની સલાહ આપી છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં, પ્રમોટર્સ પાસે કંપનીમાં 71.64 ટકા હિસ્સો હતો, જ્યારે FII પાસે 11.85 ટકા અને DII પાસે 8.33 ટકા હિસ્સો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ કુલ રૂ. 6518.70 કરોડની આવક નોંધાવી છે, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 5083.85 કરોડની કુલ આવક કરતાં 28.22% વધુ છે. જ્યારે કંપનીની કુલ આવકની વાત કરીએ તો તે 6105.07 કરોડ રૂપિયા છે.
