Gold Silver Rate: રોકાણકારોમાં ચિંતા વધી! સોનાના ભાવ ખખડ્યા, ચાંદીમાં પણ ખાસ ચાલ જોવા ના મળી
સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા અને ચાંદીના ભાવ સ્થિર રહેતા રોકાણકારો ચિંતામાં મુકાયા છે. હવે આ ચિંતા વચ્ચે 'સોના-ચાંદી'ના ભાવ બજારમાં ચર્ચાનો વિષય બન્યા છે.

સોમવારે બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. વૈશ્વિક બજારમાં પણ સોનામાં 0.26 ટકા અને ચાંદીમાં 0.17 ટકાનો ઘટાડો થયો હતો.

દિલ્હીના બુલિયન બજારમાં સોમવાર, 25 ઓગસ્ટના રોજ સોનાનો ભાવ 200 રૂપિયા ઘટીને 1,00,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. આ ઘટાડો વૈશ્વિક બજારમાં મંદી અને સ્ટોકિસ્ટો દ્વારા કરવામાં આવેલ વેચાણને કારણે થયો છે.

શુક્રવારે, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 1,00,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજીબાજુ, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું સોમવારે 150 રૂપિયા સસ્તું થયું હતું અને 99,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાયું હતું. પાછલા સત્રમાં, સોનું 10 ગ્રામ દીઠ 1,00,050 રૂપિયા પર બંધ થયું હતું.

હવે આની સરખામણીમાં, ચાંદીના ભાવ સ્થિર રહ્યા અને તે 1,15,000 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. ન્યૂ યોર્કમાં સ્પોટ ગોલ્ડ 0.26 ટકા ઘટીને USD 3,363.45 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્પોટ સિલ્વર પણ 0.17 ટકા ઘટીને USD 38.78 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.

મીરાઈ એસેટ શેરખાનના કોમોડિટીઝ અને કરન્સીના હેડ પ્રવીણ સિંહે જણાવ્યું હતું કે, "સોમવારે સોનું નબળું જોવા મળ્યું પરંતુ જો યુએસ જોબ માર્કેટ ધીમું પડે છે, તો ફેડરલ રિઝર્વ 'વ્યાજ દરો' ઘટાડશે તેવી શક્યતા વધશે અને સોનામાં સકારાત્મક વલણ જોવા મળી શકે છે."

ગયા અઠવાડિયે, ફેડના ચેરમેન જેરોમ પોવેલે જેક્સન હોલ સિમ્પોઝિયમમાં સંકેત આપ્યો હતો કે, ડિસેમ્બર પછી પહેલી વખત વ્યાજ દરોમાં ઘટાડો થઈ શકે છે. આ નિવેદન પછી સોના અને ચાંદીના ભાવમાં રિકવરી જોવા મળી હતી. આગામી FOMC (Federal Open Market Committee) બેઠક 16-17 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
