ગાંધીનગર: એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ આધારીત વસંતોત્સનો સંસ્કૃતિક કુંજ ખાતે થયો પ્રારંભ, 23 ફેબ્રુઆરી સુધી ચાલશે મહોત્સવ- જુઓ Photos
ગાંધીનગરના સાંસ્કૃતિક કુંજ ખાતે નૃત્યકલાપર્વ વસંતોત્સવનો પ્રારંભ થયો છે. રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાએ 23 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ વસંતોત્સવનો 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીના દિનસે પ્રારંભ કરાવ્યો છે. વર્ષોથી યોજાતા આ ઉત્સવને માણવા નગરવાસીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરના સંસ્કૃતિક કુંજ ખાતે નૃત્યકલાપર્વ ‘વસંતોત્સવ' નો શુભારંભ મંત્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો છે. 23મી ફેબ્રુઆરી સુધી દરરોજ સાંજે 7:00 થી રાત્રીના 10 વાગ્યા સુધી સંસ્કૃતિ કુંજ, સરિતા ઉદ્યાન ખાતે યોજાશે.

આ મહોત્સવમાં રાજસ્થાન, પંજાબ, અસમ,ઓરિસ્સા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા અલગ અલગ જાણીતા પ્રાદેશિક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે.

ગુજરાતના ખ્યાતનામના કલાકારો અને રાજ્યના વિવિધ પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા પારંપરિક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે.

સંસ્કૃતિકુંજ ખાતે ઉભા કરાયેલા સ્ટોલમાં કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ બપોરે 02 થી રાત્રે 10 કલાક સુધી કરવામાં આવશે જેનો લાભ નગરજનો લઈ શકશે.

આ સાંસ્કૃતિક પર્વ વસંતોત્સવના આગમનની ગાંધીનગરવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. વર્ષોથી ચાલ્યા આવતા ઉત્સવને માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ દરરોજ સાંજે 7:00 થી રાત્રીના 10 વાગ્યા સુધી સંસ્કૃતિ કુંજ, સરિતા ઉદ્યાન પાસે, 'જ' રોડ, ગાંધીનગરમાં આયોજિત કરાઈ છે.

ગુજરાતના ખ્યાતનામ કલાકારો અને વૃંદો દ્વારા ગણેશ વંદના, રાજ્યના વિવિધ પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા પારંપરિક નૃત્ય કૃતિઓની પ્રસ્તુતિ, પ્રાચીન અર્વાચીન ગરબા અને રાસની પ્રસ્તુતિ, તુરી બારોટ સમાજના મંડળો દ્વારા વિવિધ વિસરાતા લોકનૃત્યોની પ્રસ્તુતિ, ગુજરાતના લોકકલારત્ન દ્વારા લોક સંગીત અને સાહિત્યની મોજને પણ વસંતોત્સવ દરમિયાન માણવાનો લ્હાવો મળશે

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ, ગુજરાત સરકાર અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર દ્વારા તારીખ 14મી ફેબ્રુઆરીથી 23મી ફેબ્રુઆરી દરમિયાન, સંસ્કૃતિ કુંજ ખાતે આયોજન કરાયુ છે.

આ વસંતોત્સવમાં રાજ્યો અને દેશના અનેક લોકનૃત્યો અને લોકસંગીતનો વારસો, કુશળ કારીગરોની હાથશાળની બનાવટો, અને કલાકારોના સાંસ્કૃતિક પ્રદર્શનો જોવા મળશે.

'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ પર વસંતોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.