બાંગ્લાદેશ સામે કરેલ ભૂલો જો પાકિસ્તાન સામે કરી તો ટીમ ઈન્ડિયાને બહુ ભારે પડશે
ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાનો વિજય એટલો આસાન ન હતો જેટલો દેખાતો હતો અને તેના માટે ઘણી મહેનત કરવી પડી હતી, જેમાં ખુદ ટીમ ઈન્ડિયાની ભૂલ મહત્વની સાબિત થઈ હતી.

આગામી રવિવાર 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક મોટી ક્રિકેટ મેચ રમાવ જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પાંચમી મેચમાં એશિયાના પરંપરાગત દુશ્મન ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. એક તરફ ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ જીતીને પોતાના કટ્ટર હરિફ સામેની મેચ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆતની જ મેચમાં પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની કારમી હાર બાદ, રવિવારે જીત માટે આશાવાદી રહેશે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ટીમ માટે પણ આ મેચ બહુ મુશ્કેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે ટીમનું ફોર્મ ખૂબ જ ખરાબ છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં જે પ્રદર્શન સાથે જીત મેળવી હતી તે જોતા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે ફસાઈ શકે છે.

ગઈકાલ ગુરુવારે 20 ફેબ્રુઆરીએ દુબઈમાં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરીને બાંગ્લાદેશને 228 રન સુધી સીમિત કરી દીધું અને પછી 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. આવી સ્થિતિમાં આ જીત ખૂબ જ આસાન લાગે છે પરંતુ આ આખી મેચમાં જે જોવા મળ્યું તે તેની અસલ વાસ્તવિકતા સામે આવે છે તેનુ સત્ય એ છે કે જો ટીમ ઈન્ડિયા 23મી ફેબ્રુઆરીએ આવી જ રમત બતાવશે તો પાકિસ્તાનને પછાડવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે.

પાકિસ્તાન સામે મુશ્કેલ સ્થિતિના ડરનુ સૌથી મોટું કારણ બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ હતી. જો કે ટીમ ઈન્ડિયા પાસે ઘણા શાનદાર ફિલ્ડર્સ છે, પરંતુ પ્રથમ મેચમાં નબળી સ્થિતિ જોવા મળી હતી અને તેમાં કેપ્ટન રોહિત શર્મા પણ સામેલ હતો. ભારતીય ટીમ આ મેચમાં બે આસાન કેચ ચૂકી હતી, જેમાં રોહિતે પહેલી ભૂલ કરી હતી. રોહિતે અક્ષર પટેલના બોલ પર ઝાકિર અલીનો સીધો કેચ ના લીધો, જેના કારણે અક્ષર હેટ્રિક પૂરી કરી શક્યો નહીં. ઝાકિરે ફરી એક શાનદાર ઇનિંગ રમીને બાંગ્લાદેશને મજબૂત સ્થિતિમાં લાવી દીધુ હતું.

રોહિત બાદ હાર્દિક પંડ્યાએ પણ સીધો અને આસાન કેચ છોડ્યો, ત્યારબાદ તૌહીદ હૃદયે ભારત સામે શાનદાર સદી ફટકારી. આ બંને સિવાય વિકેટકીપર કેએલ રાહુલે પણ ખૂબ જ સરળ સ્ટમ્પિંગ છોડીને ટીમની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. આ ભૂલો પાકિસ્તાન સામેની મેચમાં ભારતને ઘણી મોંઘી સાબિત થઈ શકે છે. ( તસવીર સૌજન્ય-pti)
ચેમ્પિયન્સ ટ્રોફી સહિત ક્રિકેટ જગતને લગતા તમામ નાના મોટા સમાચાર માટે તમે અમારા ક્રિકેટ ટોપિક પેજ પર જાણી શકો છો. અહીં ક્લિક કરો.