IND vs AUS: ટીમ ઈન્ડિયાએ લગાવી ફાઈનલની હેટ્રિક, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી
14 વર્ષના લાંબી રાહ બાદ ભારતીય ટીમે ICCની મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2011ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. વિરાટ કોહલીએ 84 રનની વિજયી ઈનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. દુબઈમાં રમાયેલી પહેલી સેમીફાઈનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને સતત ત્રીજી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમ ઈન્ડિયાની જીતના સ્ટાર્સ મોહમ્મદ શમી અને વિરાટ કોહલી હતા, જેમણે પોતાના જોરદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. શમીએ 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 264 રન પર રોકી દીધું, જ્યારે કોહલી સદી ચૂકી ગયો હશે, પરંતુ તેણે ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે રન ચેઝનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં, ભારતીય ટીમ 14 વર્ષ પછી ICC ટુર્નામેન્ટના નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહી હતી. 2011ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવી સેમીફાઈનલમાં પહોંચી હતી અને પછી ટાઈટલ પણ જીત્યું હતું. આ વખતે ટીમ ઈન્ડિયા ટાઈટલની નજીક પહોંચી છે અને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું છે.

મંગળવાર 4 માર્ચે રમાયેલી આ પહેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ઓછા અનુભવી ખેલાડીઓ હોવા છતાં સારું પ્રદર્શન કર્યું હતું. ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ રહેલા ટ્રેવિસ હેડે આક્રમક બેટિંગ કરીને ફરીથી ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી દીધું હતું, પરંતુ વરુણ ચક્રવર્તીએ અહીં પણ પોતાનો જાદુ બતાવ્યો અને હેડને પેવેલિયન પાછો મોકલી દીધો હતો.

આ પછી, કેપ્ટન સ્ટીવ સ્મિથે શાનદાર અડધી સદીની ઈનિંગ રમી, પરંતુ શમીએ સદી ફટકારે તે પહેલા જ સ્મિથને બોલ્ડ કરી દીધો અને ભારતને વાપસી અપાવી અને ઓસ્ટ્રેલિયાની મોટા સ્કોરની આશાઓ પર પાણી ફેરવી દીધું. અંતે, એલેક્સ કેરીએ ફરી એકવાર ઝડપી ઈનિંગ રમી અને 61 રન બનાવ્યા. પરંતુ 48મી ઓવરમાં, શ્રેયસ અય્યરે તેને રન આઉટ કર્યો, જેના કારણે ઓસ્ટ્રેલિયાના સ્કોરમાં 15-20 વધારાના રન ઉમેરવાની શક્યતાનો અંત આવ્યો. ટીમ ઈન્ડિયા તરફથી શમીએ 3 વિકેટ લીધી જ્યારે રવીન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.

ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્માએ પણ ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ સતત બે ઓવરમાં બે વાર કેચ છોડીને શરૂઆતનું દબાણ બનાવવાની તક ગુમાવી દીધી હતી. જોકે, ટૂંક સમયમાં જ શુભમન ગિલને બેન દ્વારશુઈસે બોલ્ડ કરીને પ્રથમ સફળતા અપાવી અને પછી કોનોલી, જેણે રોહિતનો કેચ છોડી દીધો હતો, તેણે તેની પહેલી જ ઓવરમાં રોહિતને આઉટ કરીને ભૂલ સુધારી. આવી સ્થિતિમાં, બધાની નજર વિરાટ કોહલી પર હતી, જેણે પાકિસ્તાન સામે રનચેઝ કરતી વખતે સદી ફટકારી હતી અને ટીમને જીત તરફ દોરી હતી.

રોહિતના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર અને કોહલીએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી અને જીતનો પાયો નાખ્યો હતો. બંનેએ મળીને ત્રીજી વિકેટ માટે 91 રન ઉમેર્યા. આ દરમિયાન કોહલીએ તેની 73મી અડધી સદી પણ ફટકારી. શ્રેયસ 45 રન બનાવી આઉટ થયો હતો, શ્રેયસના આઉટ થયા બાદ અક્ષરે કોહલી સાથે સ્કોર આગળ વધાર્યો પરંતુ નાથન એલિસે તેને બોલ્ડ આઉટ કર્યો, જેનાથી મેચ રોમાંચક બની ગઈ. આ પછી, રાહુલ અને વિરાટે 47 રનની ભાગીદારી કરી અને જીત સુનિશ્ચિત કરી. કોહલી સદી ચૂકી ગયો હોવા છતાં, હાર્દિક અને રાહુલે છગ્ગા અને ચોગ્ગા ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. (All Photo Credit : PTI / X)
ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































