વિરાટ કોહલી
વિરાટ કોહલી, આ નામ વિશ્વના કોઈ પણ દેશના ક્રિક્રેટ પ્રેમીથી અજાણ્યું નથી. વર્ષ 2008થી આ નામ સૌ ક્રિકેટ પ્રેમીઓના કાને ગુંજતુ રહ્યું હતું અને હોઠેથી બોલાતું રહ્યું છે. સમયાંતરે વિરાટ કોહલીનું નામ ક્રિકેટ જગતમાં ખરેખર વિરાટ થઈ ગયું છે. હવે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો એક ચહેરો બની ગયો છે. વિરાટ કોહલીએ પોતાના બેટ વડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, મોટી નામના પ્રાપ્ત કરી છે. દરેક મેચમાં તેના બેટ વડે થતા દરેક રન એક નવો વિક્રમ રચવા બરાબર કહેવામાં કોઈ ખોટું નથી.
દિલ્લીના વિરાટ કોહલી 18 વર્ષનો હતો ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાના અવસાન થયાના બીજા દિવસે, રણજી ટ્રોફીની મેચમાં, દિલ્લીને મેચ બચાવવાની હતી. વિરાટ કોહલીએ એક એવી ઈનિગ્સ રમી કે મેચ બચી અને વિરાટની નવી પ્રતિભા પણ સામે આવી. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ, ભારતે કુઆલાલંપુરમાં રમાયેલ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો.
અંડર-19 વર્લ્ડ કપ જીતવાની સાથે જ વિરાટ કોહલીનું ક્રિકેટ જગતમાં વિરાટ બનવાનું શરુ થયું. 2008માં જ ODI ક્રિકેટમાં વિરાટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. ક્રિકેટના ODI ફોર્મેટમાં વિરાટની એક પછી એક ઈનિગ્સ થકી, વિરાટ કોહલીને ક્રિકેટ જગતમાં કિંગ બનાવ્યો અને તેના કારણે ‘કિંગ કોહલી’નુ નવુ વિશ્વાસપાત્ર હુલામણુ નામ મળ્યું. આતંરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, વિરાટ કોહલીની બેંટીગને લઈને 2011માં ભારતને બીજી વખત વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનું યોગદાન હતું, જ્યારે 2013માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં પણ વિરાટની ભૂમિકા મહત્વની રહી હતી.
વિરાટ કોહલી એક માત્ર એવો બેટ્સમેન છે, જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, જેવા કે ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ અને T20માં પોતાના બેટ વડે વર્ચસ્વ બનાવી રાખ્યું. 2015થી લઈને 2022 સુધી વિરાટ કોહલી ભારતીય ટીમના સુકાની રહ્યો હતો. તો ભારતમાં ખુબ જ લોકપ્રિય બનેલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમીને વિરાટ કોહલીએ અનેક વિક્રમો રચ્યા. જો કે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઈપીએલની ટ્રોફી અપાવી શક્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ODI ક્ષેત્રે વિરાટ કોહલીએ, ઓકટોબર 2023 સુધીમાં, 48 સદી ફટકારી છે. જે સર સચિન તેડુંલકરે ODIમાં ફટકારેલી 49 સદી કરતા એક જ સદી ઓછી છે.