અનિતા આનંદ કેનેડાના બન્યા વિદેશ પ્રધાન, આ પદ પર પહોચનાર અનિતા પ્રથમ હિન્દુ મહિલા
કેનેડામાં નવી ચૂંટાયેલ સરકારના વિદેશ પ્રધાન તરીકે મૂળ ભારતીય એવા અનિતા આનંદની પસંદગી કરવામાં આવી છે. અનિતા આનંદે ગીતા પર હાથ રાખીને પ્રધાનપદના શપથ લીધા હતા. અનિતા આનંદના પિતા મૂળ તમિલનાડુના હતા. જ્યારે તેમના માતા પંજાબના હતા. અનિતા આનંદ એવા સમયે વિદેશ પ્રધાન બન્યા છે જ્યારે જસ્ટીન ટ્રુડોના કારણે ભારત અને કેનેડાના સંબંધમાં થોડીક કડવાશ આવી ગઈ છે.

અનિતા આનંદ બુધવારે કેનેડાના નવા વિદેશ મંત્રી તરીકે શપથ લેનાર પ્રથમ હિન્દુ મહિલા બન્યા. 2019 માં રાજકારણમાં પ્રવેશ્યા પછી લિબરલ પાર્ટીના સાંસદે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. માર્ક કાર્નીની નવી સરકાર હેઠળ ભારતીય મૂળના સાંસદને વિદેશ પ્રધાન એવા સમયે બનાવવામાં આવ્યા છે જ્યારે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે.

અનિતા આનંદનો જન્મ 1967માં કેનેડાના પૂર્વ કિનારે આવેલા નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં ભારતીય માતાપિતાને ત્યાં થયો હતો. તેમના પિતા તમિલનાડુના હતા અને માતા પંજાબના જંડિયાલા ગુરુના હતા. તે અમૃતસરની બહારનું એક શહેર છે. કહેવાય છે કે તેઓ 1950ના દાયકામાં આયર્લેન્ડમાં મળ્યા હતા, ઈંગ્લેન્ડમાં લગ્ન કર્યા હતા અને 1965માં કેનેડા જતા પહેલા નાઇજીરીયા અને ભારતમાં રહેતા હતા.

અનિતા આનંદ શક્ય તેટલા હિન્દુ અને શીખ કાર્યક્રમોમાં ભાગ લે છે. એટલું જ નહીં, તેઓ દિવાળી પાર્ટીઓનું પણ આયોજન કરે છે. તેમણે એકવાર સંસદમાં કહ્યું હતું. "હું કેનેડિયન છું અને મને મારા પંજાબી અને તમિલ વારસા પર ખૂબ ગર્વ છે,"

અનિતા આનંદ પાસે ક્વીન્સ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી બે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી છે. તેમણે ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી તે જ વિષયમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.

અનિતા આનંદે પોતાના અગાઉના નિવેદનોમાં ભારતીય સેલિબ્રિટીઓ અને હિન્દુ મંદિરો પર તોડફોડની ઘટનાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. જૂન 2024 માં, તેમણે કેનેડાના બ્રેમ્પટનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને લઈને નીકળેલી વિવાદાસ્પદ ઝાંખીની ફણ નિંદા કરી હતી.
વિશ્વભરના તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.