30 કરોડ નોકરિયાતોને આવતીકાલ 28 ફેબુઆરીએ લાગી શકે છે ઝટકો, વ્યાજદર અંગે EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી લેશે મોટો નિર્ણય !
EPFO Interest Rates : ગયા વર્ષે, EPFO માં જમા રકમ ઉપર વાર્ષિક ચુકવણી (2022-23માં) માટે વ્યાજ દર 8.15 ટકાથી વધારીને 8.25 ટકા કરવામાં આવ્યુ હતુ. ગયા અઠવાડિયે EPFO બોર્ડની રોકાણ સમિતિએ આ અંગે ચર્ચા કરવા બેઠક કરી હતી. હવે આવતીકાલ 28મી ફેબ્રુઆરીના રોજ બેઠક યોજાશે.


સરકાર કરોડો લોકોને આંચકો આપી શકે તેવા અહેવાલ સામે આવી રહ્યાં છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નું સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી EPF ખાતામાં જમા રકમ પર વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. સ્ટોક માર્કેટ અને બોન્ડ યીલ્ડમાં થયેલા ઘટાડા અને વધુ ક્લેમ સેટલમેન્ટને ધ્યાનમાં રાખીને EPFOનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી આ નાણાકીય વર્ષમાં વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આનાથી 300 મિલિયન સભ્યોની નિવૃત્તિ બચત પર આપવામાં આવતા વ્યાજ દરોને અસર થશે.

2024-25 માટે EPF પરના વ્યાજ દર નક્કી કરવા માટે આવતીકાલ શુક્રવારે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાવા જઈ રહી છે. ગયા વર્ષે, વાર્ષિક ચૂકવણી માટે વ્યાજ દર (2022-23માં) 8.15 ટકાથી વધારીને 8.25 ટકા કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે બોર્ડની રોકાણ સમિતિએ આ અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર, EPF દરની ભલામણ કરવા માટે EPFOની આવક અને ખર્ચ પ્રોફાઇલ પર ચર્ચા કરવા માટે બોર્ડની રોકાણ સમિતિએ ગયા અઠવાડિયે બેઠક યોજી હતી. બોર્ડમાં નોકરીદાતાના પ્રતિનિધિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ વર્ષે વ્યાજ દર ગયા વર્ષની સરખામણીમાં ઓછો હોઈ શકે છે. કારણ કે તાજેતરના મહિનાઓમાં બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો છે અને જો કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે ઊંચા વ્યાજ દરોની જાહેરાત કરવામાં આવે, તો નિવૃત્તિ ફંડ વધુ સરપ્લસ બાકી રહેશે નહીં.

કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા બોર્ડના અન્ય સભ્યએ આશંકા વ્યક્ત કરી હતી કે, આ વર્ષે વ્યાજ દર ઘટી શકે છે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ પેનલે કટોકટી જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સરપ્લસ જાળવી રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ સિવાય ઉચ્ચ દાવાની પતાવટથી વાર્ષિક EPF ક્રેડિટ માટે ઓછો પૂલ બાકી રહ્યો છે. જાન્યુઆરી સુધીમાં, EPFOએ 2024-25માં રૂ. 2.05 ટ્રિલિયનના 5.08 મિલિયનથી વધુ દાવાઓ પર પ્રક્રિયા કરી છે. જ્યારે 2023-24માં રૂ. 1.82 ટ્રિલિયનના 44.5 મિલિયનથી વધુ દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું.

EPF દર ઉપરાંત, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ટ્રસ્ટી મંડળ વર્તમાન એક્ચ્યુરિયલ વેલ્યુએશનના આધારે એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ સભ્યોના આશ્રિત પરિવારના સભ્યોને આપવામાં આવતા લાભોમાં વધારા અંગે પણ ચર્ચા કરશે.

બોર્ડ સભ્યોને ઉચ્ચ પેન્શન આપવાના મુદ્દા પર પણ ચર્ચા કરશે અને તાજેતરમાં શરૂ કરવામાં આવેલી કેન્દ્રીયકૃત પેન્શન ચુકવણી સિસ્ટમ પર સ્ટેટસ નોટની સમીક્ષા કરશે, જે સમગ્ર ભારતમાં કોઈપણ બેંકની કોઈપણ શાખા દ્વારા પેન્શનનું વિતરણ કરવાની મંજૂરી આપે છે.

પ્રોવિડન્ટ ફંડ અંગેના તમામ સમાચાર જાણવા માટે તમે અમારા પ્રોવિડન્ટ ફંડ અંગેના ટોપિક પર ક્લિક કરો.






































































