Knowledge : સરસવ, મગફળી કે ઓલિવ ઓઈલ ? જાણો તમારા સ્વાસ્થ્ય માટે કયું તેલ છે શ્રેષ્ઠ
તમારા ખોરાકમાં વપરાતું તેલ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે. જેથી યોગ્ય તેલની પસંદગી કરવી એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે.

અત્યારે તહેવારોની સિઝન છે એટલે સાદા ખોરાકની સાથે સાથે અનેક પ્રકારની મીઠાઈઓ કે વિવિધ વાનગીઓ પણ પેટમાં જઈ રહી છે. તેથી આ સમયે તમારે ધ્યાન રાખવુ ખુબ જરૂરી છે.આવી સ્થિતિમાં જાણો કયું તેલ તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

ખાદ્ય તેલમાં ઘણા પ્રકારની ચરબી જોવા મળે છે - સરસવનું તેલ કે નાળિયેરનું તેલ, રસોઈ માટે વપરાતું લગભગ દરેક તેલ તેના ફળ અથવા બીજમાંથી આવે છે. તેઓને મશીનમાં દબાવીને પ્રક્રિયા કરવામાં આવે છે. રસોઈ માટે વપરાતા તેલમાં ચરબીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેમાં સંતૃપ્ત ચરબી, મોનોસેચ્યુરેટેડ ચરબી અને બહુઅસંતૃપ્ત ફેટી એસિડ હોય છે.

ગંભીર રોગોનું કારણ- તેલમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને માનવ શરીર વધુ પડતી ચરબીને પચાવી શકતું નથી. તેથી, જ્યારે આપણે વધુ તૈલી વસ્તુઓ ખાવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણા શરીરમાં ચરબી જમા થવા લાગે છે. તે હૃદય રોગ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.

કયું તેલ છે ફાયદાકારક - એટલા માટે નિષ્ણાતો કહે છે કે જે તેલમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછી હોય તે તેલ વધુ સારું છે. ઉપરાંત, તેલ ઓછી માત્રામાં ખાવું જોઈએ. બહુઅસંતૃપ્ત ચરબીવાળુ તેલ ખાવુ વધુ સારું છે. આ લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ સાથે શરીરને જરૂરી ફેટી એસિડ અને વિટામિન્સ પણ મળે છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ઓલિવ ઓઈલનો વધુ પડતો ઉપયોગ હદયની બીમારીઓનું જોખમ પાંચ ટકા સુધી ઘટાડે છે.

ઓલિવ ઓઈલ- ઓલિવ ઓઈલ એટલે જૈતુનનુ તેલ. આ તેલ ઓલિવ ટ્રી ના ફળમાંથી મેળવેલી ચરબી છે જે ભૂમધ્ય પ્રદેશનું પરંપરાગત વૃક્ષ છે. ઓલિવને તોડીને પલ્પમાંથી ઓલિવ તેલ કાઢવામાં આવે છે. તે હાલમાં સૌથી આરોગ્યપ્રદ તેલ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી હદયની બીમારીઓ મટે છે.

નિષ્ણાતો કહે છે - તેલનો ઉપયોગ ઓછો કરો. ઉપરાંત તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરશો નહીં.