અક્ષય કુમાર
અક્ષય કુમારનો જન્મ 9 સપ્ટેમ્બર 1967ના રોજ અમૃતસરમાં થયો હતો. થોડા સમય માટે તેનો પરિવાર જૂની દિલ્હીમાં રહ્યો, ત્યારબાદ આખો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો. તેના પિતા હરિઓમ ભાટિયા મિલેટરી ઓફિસર હતા. તેની માતાનું નામ અરુણા ભાટિયા છે. અક્ષયને અલકા ભાટિયા નામની એક બહેન પણ છે. અક્ષય કુમારે મુંબઈની ડોન બોસ્કો સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અક્ષય કુમારે તાઈકવાન્ડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરિઓમ ભાટિયા છે, તે એક ફેમસ ફિલ્મ એક્ટર હોવા સિવાય નિર્માતા અને માર્શલ આર્ટ્સમાં નિપુણ પણ છે.
અક્ષય કુમારને લોકો પ્રેમથી ‘અક્કી’ પણ કહે છે. એક્ટર તરીકે અક્ષય કુમારે કરિયરની શરૂઆત ફિલ્મ ‘સૌગંધ’થી થઈ હતી. આ પહેલા પણ તેને ફિલ્મ ‘આજ’માં માર્શલ આર્ટ ઈન્સ્ટ્રક્ટરની ભૂમિકામાં તક મળી હતી પરંતુ તેમાં તેને ખાસ સફળતા ન મળી. શરૂઆતમાં તેની ફિલ્મોને બહુ રિસ્પોન્સ ન મળ્યો પરંતુ તેની ખિલાડી સિરીઝની ફિલ્મોએ તેને બોલિવુડનો ‘ખિલાડી કુમાર’ બનાવી દીધો.
અક્ષય કુમારે 125 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય કુમારે બે વખત ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. અક્ષય કુમાર લાંબા સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. ‘ખિલાડીઓ કે ખિલાડી’ના નામથી ફેમસ અક્ષય તેની ફિલ્મોમાં મોટાભાગના સ્ટંટ પોતે જ કરે છે. અક્ષય કુમારે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો આરવ અને નિતારા છે.