હવે તમે ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની મેચ માત્ર 60 રૂપિયામાં જ જોઈ શકશો
ક્રિકેટ રસિયાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ જે મેચ રમાવાનું છે તે ક્રિકેટ સ્ટેડિયમમાં જઈને જોવા માટે તમારે બહુ નાનકડી રકમ ખર્ચવી પડશે. ક્રિકેટ બોર્ડે મેચ માટેની પ્રવેશપાસની કિંમત માત્ર 60 રાખી છે. આટલી સસ્તી ટિકિટ રાખવા પાછળ એક કારણ છે.

હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રહેલ ભારતીય ક્રિકેટ ટીમ, દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પહેલી મેચ, આગામી 14 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે, અને આ મેચ માટે ટિકિટનું વેચાણ દિવાળીથી શરૂ થઈ ગયુ છે. આશ્ચર્યજનક રીતે, આ મેચ માટે ટિકિટની શરૂઆતની કિંમત ફક્ત 60 રૂપિયા રાખવામાં આવી છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે, ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા.

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે જાહેરાત કરી કે, ચાહકો ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો એપ દ્વારા ટિકિટ બુક કરાવી શકે છે, જેની કિંમત રૂપિયા 60 પ્રતિ દિવસ (બધા પાંચ દિવસ માટે રૂપિયા 300) થી લઈને રૂપિયા 250 પ્રતિ દિવસ (સમગ્ર મેચ માટે રૂપિયા 1,250) સુધીની છે.

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણી અંગે, કોલકાતા પછીની આગામી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. ત્યારબાદ ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની શ્રેણી રમાશે.

દક્ષિણ આફ્રિકાએ છેલ્લી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી, જેમાં તેણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ શ્રેણી ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલ રહેશે, ખાસ કરીને કારણ કે તેઓ ઘરેલુ મેદાન પર ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી ૦-3થી હારી ગયા હતા.

વનડે શ્રેણી 30 નવેમ્બરથી શરૂ થશે, જેમાં રાંચી, રાયપુર અને વિશાખાપટ્ટનમમાં મેચ રમાશે. પાંચ મેચની ટી20 શ્રેણી 9 ડિસેમ્બરથી શરૂ થશે. આ મેચ કટક, ન્યુ ચંદીગઢ, ધર્મશાલા, લખનૌ અને અમદાવાદમાં રમાશે.
આ પણ વાંચોઃ અંગ્રેજોએ દિવાળીના દિવસે જ ધૂમ ધડાકા કર્યા ! 10 છગ્ગા અને 24 ચોગ્ગા, ઇંગ્લેન્ડે તો ન્યૂઝીલેન્ડ સામે તબાહી મચાવી દીધી