અંગ્રેજોએ દિવાળીના દિવસે જ ધૂમ ધડાકા કર્યા ! 10 છગ્ગા અને 24 ચોગ્ગા, ઇંગ્લેન્ડે તો ન્યૂઝીલેન્ડ સામે તબાહી મચાવી દીધી
દિવાળીના દિવસે ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચમાં બીજી T-20I માં તોફાની બેટિંગ કરીને જીત મેળવી લીધી હતી. કિવિ બોલર્સની અંગ્રેજો સામે એકપણ ના ચાલી અને કારમી હારનો સામનો કરવો પડ્યો.

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝની બીજી મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાઈ હતી. આ મેચમાં ક્રિકેટ ચાહકોએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોયો અને અંતે ઇંગ્લેન્ડે શાનદાર જીત મેળવી. આ જીત સાથે ઇંગ્લેન્ડે સિરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ફિલ સોલ્ટ અને હેરી બ્રુકની વિસ્ફોટક ઇનિંગ્સ જોવા મળી હતી.
એક નિર્ણય સેન્ટનરને ભારે પડ્યો
ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ દાવ તેમની ટીમ પર જ ખોટો પડ્યો હતો. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 236 રન બનાવ્યા હતા.
ઓપનર ફિલ સોલ્ટે શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે 56 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની રમઝટ બોલાવી અને 85 રન ફટકારી દીધા હતા. બીજીબાજુ કેપ્ટન હેરી બ્રુકે પણ માત્ર 35 બોલમાં 78 રન બનાવ્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. અંતિમ ઓવરોમાં ટોમ બેન્ટને 29 રનનો અને જેકબ બેથેલે 24 રનનો કેમિયો રમીને કિવિ બોલર્સની કમર તોડી નાખી હતી.
કિવિ બોલર્સ મોંઘા સાબિત થયા
ઇંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડના બધા બોલર્સ ખર્ચાળ સાબિત થયા હતા. કાયલ જેમિસને સૌથી વધુ બે વિકેટ લીધી પરંતુ સામે તેણે 47 રન પણ આપ્યા. જેકબ ડફી અને માઈકલ બ્રેસવેલે એક-એક વિકેટ પોતાના નામે કરી પરંતુ તેઓએ 10 થી વધુની ઇકોનોમીથી રન આપ્યા હતા.
તમામ બેટ્સમેન ફ્લોપ
237 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલ ન્યુઝીલેન્ડે 18 ઓવરમાં 171 રન કર્યા અને ઓલઆઉટ થઈ ગઈ. ટિમ સેઈફર્ટે સૌથી વધુ 39 રન બનાવ્યા. કેપ્ટન મિશેલ સેન્ટનરે પણ 36 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન 30 રન સુધી પહોંચી શક્યો નહોતો. સ્ટાર બેટ્સમેન માર્ક ચેપમેન પણ ફક્ત 28 રન કરી શક્યો હતો.
T20I માં સૌથી વધુ રનનો રેકોર્ડ બન્યો
નોંધપાત્ર વાત એ છે કે, આ મેચમાં બંને ટીમોએ મળીને કુલ 407 રન બનાવ્યા હતા, જે આ ટીમો વચ્ચે T20 મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ છે. ઇંગ્લેન્ડ માટે આદિલ રશીદ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 32 રન આપીને 4 વિકેટ લીધી. લ્યુક વુડ, બ્રાઇડન કાર્સ અને લિયામ ડોસને 2-2 વિકેટ લીધી.
