‘Vi’ ના નસીબ ખુલી ગયા ! દેવામાં ડૂબેલી કંપનીને સરકારે આપી ‘સંજીવની’, શું શેરમાં આવશે તેજી કે હજી જોવી પડશે ‘રાહ’?
જો તમે પણ વોડાફોન આઈડિયા (Vi) ના શેરમાં રોકાણ કર્યું છે અથવા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. વાત એમ છે કે, સરકારના એક નિર્ણયથી વોડાફોન આઈડિયાને ₹23,000 કરોડની રાહત મળી છે. હવે સવાલ એ છે કે, શું આ સમાચારથી શેરમાં જબરદસ્ત ઉછાળો આવશે કે હજી રાહ જોવી પડશે?

નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલી દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vi) માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. ભારત સરકારે કંપનીના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) બાકી લેણાંમાં ફેરફાર કરીને તેમાં ઘટાડો કર્યો છે. ટેલિકોમ કંપનીએ ગુરુવાર, 30 એપ્રિલના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. આ ફાઇલિંગ મુજબ, વોડાફોન આઈડિયાને આશરે ₹23,000 કરોડની મોટી રાહત મળી છે. આજે '01 May' ના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે શેરબજાર બંધ હોવાથી આ રાહતની અસર 'સોમવાર, 4 મે'ના રોજ બજાર ખુલતાની સાથે જ શેરના ભાવ પર જોવા મળી શકે છે.

અગાઉના ટ્રેડિંગ સત્ર એટલે કે 30 એપ્રિલના રોજ BSE પર શેર 0.68% ના ઘટાડા સાથે ₹10.22 પર બંધ થયો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને (DoT) ડિસેમ્બર 2025 સુધીની વોડાફોન આઈડિયાની AGR જવાબદારીમાં સુધારો કર્યો છે. ટેલિકોમ વિભાગે હવે આ રકમ ₹64,046 કરોડ નક્કી કરી છે, જે અગાઉના ₹87,695 કરોડના અંદાજ કરતા ₹23,649 કરોડ ઓછી છે. આ ફેરફાર સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ કરવામાં આવ્યો છે, જેમાં સરકારને AGR ગણતરી અંગે ટેલિકોમ કંપનીઓની ફરિયાદો પર વિચાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

જો કે, વોડાફોન આઈડિયાને માત્ર બાકી લેણાંમાં ઘટાડાનો જ લાભ નથી મળ્યો પરંતુ આ રકમ ક્યારે ચૂકવવી તે અંગે પણ મોટી રાહત મળી છે. હવે કંપનીએ આ રકમની તાત્કાલિક ચુકવણી શરૂ કરવાની જરૂર નથી. તેના બદલે, કંપનીએ નાણાકીય વર્ષ 2032 થી શરૂ કરીને ચાર વર્ષ સુધી વાર્ષિક ઓછામાં ઓછા ₹100 કરોડ ચૂકવવાના રહેશે. ત્યારબાદ જે રકમ બાકી રહેશે, તેને નાણાકીય વર્ષ 2036 થી વર્ષ 2041 સુધી ચૂકવવા માટે 6 સમાન વાર્ષિક હપ્તામાં વહેંચી દેવામાં આવશે.

આ નિર્ણયથી વોડાફોન આઈડિયાને મોટી રાહત મળી છે, કારણ કે મોટી ચુકવણી લગભગ 10 વર્ષ માટે ટળી ગઈ છે. આનાથી દેવામાં ડૂબેલી કંપની માટે આવનારા સમયમાં રોકડ પ્રવાહ (Cash Flow) પરનું દબાણ ઓછું થશે. ભારે દેવું, નબળો કેશ ફ્લો અને સખત સ્પર્ધાનો સામનો કરી રહેલી કંપની માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વોડાફોન આઈડિયાના શેર્સે નીચલા સ્તરેથી શાનદાર વાપસી કરી છે અને ગયા વર્ષે માત્ર ચાર મહિનામાં જ રોકાણકારોના નાણાં બમણાથી વધુ કરી દીધા હતા. 14 ઓગસ્ટ 2025 ના રોજ BSE પર શેરનો ભાવ ₹6.12 હતો, જે તેના એક વર્ષનો સૌથી નીચો સ્તર હતો. આ નીચલા સ્તરેથી માત્ર ચાર મહિનામાં શેર 109.15% ઉછળીને 31 ડિસેમ્બર 2025 ના રોજ ₹12.80 પર પહોંચી ગયો હતો, જે તેના શેર માટે એક વર્ષનો સૌથી ઉચ્ચતમ સ્તર (Record High) છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ તક ચૂકતા નહીં ! 1 શેર પર ₹6,000 થી વધુ કમાવવાનો ‘મોકો’, ટોચના એક્સપર્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ
