₹10,000 ની SIP કે એકસાથે ₹10 લાખનું રોકાણ ? કમાણી ક્યાં વધારે થશે ? સમજો 10 વર્ષનું ગણિત
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને મોટું ફંડ બનાવવું હવે ઘણું સરળ બની ગયું છે પરંતુ રોકાણકારો સામે હંમેશા એ મૂંઝવણ હોય છે કે, દર મહિને SIP કરવી વધુ સારી કે એકસાથે મોટી રકમ (Lump Sum) રોકવી?

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેના પૈસા ઝડપથી વધે પરંતુ રોકાણની દુનિયામાં સૌથી મોટો સવાલ એ જ હોય છે કે, આખરે પૈસા કઈ રીતે રોકવા? જણાવી દઈએ કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની બે લોકપ્રિય રીત છે. પહેલી, SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેમાં રોકાણકાર દર મહિને એક નક્કી કરેલી રકમ જમા કરે છે.

બીજી, લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટ જેમાં પૂરેપૂરી રકમ એક જ વારમાં રોકી દેવામાં આવે છે. ધારી લો કે, કોઈ વ્યક્તિ દર મહિને 10,000 રૂપિયાની SIP કરે છે, જ્યારે બીજી વ્યક્તિ એકસાથે 10 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે. એવામાં જો બંને રોકાણ 10 વર્ષ સુધી ચાલુ રહે છે, તો કોને વધુ ફાયદો મળશે?

જો તમે દર મહિને 10,000 રૂપિયાની SIP કરો છો, તો તમે બજારના ઉતાર-ચઢાવની ચિંતા કર્યા વિના ધીમે-ધીમે એક મોટું ફંડ બનાવી શકો છો. આ રોકાણ પદ્ધતિથી 10 વર્ષમાં તમારા ખિસ્સામાંથી કુલ 12,00,000 રૂપિયા જમા થશે. જો આના પર વાર્ષિક સરેરાશ 12% વળતર (રિટર્ન) માનીને ચાલીએ, તો તમને આ સમયગાળામાં આશરે 10,40,359 રૂપિયાનો નફો (પ્રોફિટ) મળશે. આ રીતે 10 વર્ષ પૂરા થવા પર તમને કુલ 22,40,359 રૂપિયા મળશે, એટલે કે તમારી આ જ નાની-નાની માસિક બચત 10 વર્ષ પછી આશરે સાડા 22 લાખ રૂપિયાનું મોટું ફંડ બની જશે.

હવે ધારી લો કે, તમારી પાસે 10 લાખ રૂપિયા છે અને તમે તેને પહેલા જ દિવસે એકસાથે (લમ્પસમ) મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દીધા. સમયગાળો એ જ 10 વર્ષ છે અને મળતું વળતર પણ આપણે 12% જ માની લઈએ છીએ. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, તમે SIP ની સરખામણીએ કુલ 2 લાખ રૂપિયા ઓછું રોકાણ કર્યું છે પરંતુ તેનો ફાયદો જોઈને તમે હેરાન થઈ જશો. આ એકમુશ્ત રોકાણ પર તમને 10 વર્ષમાં કુલ 21,05,848 રૂપિયાનો નફો મળશે, જેથી 10 વર્ષ પછી તમને કુલ 31,05,848 રૂપિયા મળશે. ટૂંકમાં, શરૂઆતમાં મોટી રકમ રોકવાને કારણે તમારું ફંડ આશરે 31 લાખ રૂપિયા થઈ જશે, જે SIP વાળા ફંડ કરતાં લગભગ 8.65 લાખ રૂપિયા વધુ છે.

લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટમાં પૂરેપૂરી રકમ શરૂઆતથી જ બજારમાં કામ કરવાનું શરૂ કરી દે છે. આનો અર્થ એ છે કે, રોકાણકારને પહેલા દિવસથી જ કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) નો પૂરો લાભ મળવા લાગે છે. સરળ રીતે કહીએ તો, જેટલો વધુ સમય પૈસા ઇન્વેસ્ટ રહે છે, તેટલું જ વધારે રિટર્ન પર રિટર્ન મળવાનો ફાયદો થાય છે. આનાથી વિપરીત, SIP માં રકમ ધીમે-ધીમે રોકાય છે, તેથી આખી મૂડીને લાંબા સમય સુધી ગ્રોથની તક મળી શકતી નથી. આ જ કારણ છે કે, સમાન રિટર્નની સ્થિતિમાં લમ્પસમ રોકાણ ઘણીવાર વધુ સારું પરિણામ આપી શકે છે.

જો કે, લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટથી વધુ રિટર્ન મળવાની શક્યતા રહે છે પરંતુ તે દરેક રોકાણકાર અને બજારની દરેક પરિસ્થિતિ માટે યોગ્ય હોતું નથી. આમાં સૌથી મોટો પડકાર યોગ્ય સમયે રોકાણ કરવાનો હોય છે. જો કોઈ રોકાણકાર બજારના ઊંચા સ્તરે મોટી રકમ રોકી દે છે અને ત્યારપછી બજારમાં ઘટાડો આવી જાય છે, તો શરૂઆતના વર્ષોમાં રિટર્ન પર અસર પડી શકે છે. તેથી લમ્પસમ રોકાણ કરતી વખતે બજારની સ્થિતિ અને રોકાણકારની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

SIP ની સૌથી મોટી તાકાત એ છે કે, આમાં રોકાણ નિયમિત સમયાંતરે કરવામાં આવે છે. બજારમાં ઉતાર-ચઢાવ દરમિયાન રોકાણકાર અલગ-અલગ ભાવે યુનિટ ખરીદે છે. બીજું કે, જ્યારે બજાર નીચે હોય છે ત્યારે વધુ યુનિટ મળે છે અને જ્યારે બજાર ઉપર હોય છે ત્યારે ઓછા યુનિટ મળે છે. આ પ્રક્રિયાને Rupee Cost Averaging (રૂપી કોસ્ટ એવરેજિંગ) કહેવામાં આવે છે. આનાથી રોકાણની સરેરાશ પડતર કિંમત બેલેન્સ રહે છે અને બજારની અસ્થિરતાની અસર ઓછી થઈ જાય છે. આ જ કારણ છે કે, લાંબાગાળાના રોકાણ માટે SIP ને એક બેલેન્સ અને ઓછું જોખમ ધરાવતો વિકલ્પ માનવામાં આવે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
કમાણીની ‘મોટી તક’! આ IPOમાં દરેક લોટ પર ₹6,400ના લિસ્ટિંગ ગેઈનના સંકેત, GMP જોઈને રોકાણકારો ખુશ-ખુશ
