સોમનાથ: ભાઈબીજનું સંગમ સ્નાન, હજારો મહિલાઓએ સ્નાન કરી પોતાના ભાઈઓના દીર્ઘાયુષ્ય માટે કરી પ્રાર્થના
યાત્રાધામ સોમનાથમાં સાયમ કાલે સંધ્યા સમયે આજે ભાઈબીજના પવિત્ર દિવસે જ્યાં હીરણ કપિલા અને સરસ્વતી ત્રણ નદીઓનો સંગમ થાય છે, ત્યાં હજારોની માત્રામાં બહેનોએ સ્નાન કરી યમુના પૂજા સ્વરૂપે પોતાના ભાઈઓની સુખાકારી માટે પૂજા અર્ચને કરી ધન્યતા અનુભવી.

ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર એટલે ભાઈબીજ. યમરાજના બહેન યમુનાજીએ ભાઈબીજના દિવસે પોતાના ભાઈ યમરાજની સુખાકારી માટે સંગમ સ્નાન કર્યું હતું, ત્યારે આજે સોમનાથમાં ભારે માત્રામાં હજારો બહેનો ઉમટી પડી હતી.

સંગમ કિનારા પર નાળિયેર,ચુંદડી અને પૂજાના સાહિત્યથી યમુનાજી સ્વરૂપે તેમનું પૂજન અર્ચન આરતી વગેરે કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ચુંદડી શ્રીફળ સહિત સાહિત્ય સંગમમાં પધરાવ્યું હતું અને તમામ બહેનોએ સંગમમાં સ્નાન કરી અને પોતાના ભાઈઓના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી હતી.

બીજી તરફ હાલ દિવાળી નૂતન વર્ષના કારણે સોમનાથમાં દેશભરમાંથી ભારે માત્રામાં યાત્રિકો પણ ઉમટ્યા હતા. તેઓને આ સંગમ સ્નાનના દર્શન જરા અનોખા અને ધન્ય બનાવનારા હતા.

તેઓએ આ સંગમ સ્નાનનો ભાઈ બીજનો ઈતિહાસ અને યમુનાજી અને તેમના ભાઈ યમરાજના દીર્ઘાયુ માટે આજે સંગમ સ્નાનનો મહિમા તેમજ પૂજા વિધિ જોઈ જાણી અને ધન્યતા અનુભવી હતી. (Input Credit- Yogesh Joshi- Gir Somnath)