80,000 સ્વયંસેવકોના પુરુષાર્થને કારણે બન્યુ પ્રમુખસ્વામી નગર, મહંતસ્વામી મહારાજની હાજરીમાં થઈ વિશિષ્ટ સ્વયંસેવક પ્રેરક સભા
અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે પ્રમુખસ્વામી નગર બનાવવામાં આવ્યુ છે. જેને બનાવાવામાં અથાક મહેનત કરનારા 80,000 સ્વયંસેવકો માટે આજે વિશિષ્ટ પ્રેરણા સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.


અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ ઉજવાશે. જેના માટે પ્રમુખસ્વામી નગર બનાવવામાં આવ્યુ છે. જેને બનાવવામાં 45 જેટલાં વિભાગોમાં સંતોની આગેવાનીમાં 80,000 સ્ત્રી-પુરુષ સ્વયંસેવકો એ દિવસ-રાત ભક્તિમય પુરુષાર્થ કર્યો હતો. આવનારા 1 મહિના સુધી આ તમામ સ્વયંસેવકો પોતાની સેવા આપશે. 4500 જેટલા બાળ-બાલિકા સ્વયંસેવકો/સ્વયંસેવિકાઓ દ્વારા બાળ નગરી સંચાલિત થશે.

પ્રમુખસ્વામી નગરમાં સંસ્થાના કરોડરજ્જુ સમાન સ્વયંસેવકોની વિશિષ્ટ સભાનું આયોજન થયું હતું.શતાબ્દી મહોત્સવનના ઉદ્ઘાટન સમારોહને માત્ર 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે સ્વયંસેવકોની આ વિરાટ સભાને સંબોધીને સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજે પ્રત્યક્ષ આશીર્વચન વરસાવ્યા હતા. સાંજે ૫ વાગ્યે આ સભાનો આરંભ થયો હતો. આ સભાકાર્યક્રમમાં ‘શિસ્ત’, ‘શૈલી’ અને ‘સંપ’ – આ ત્રણેય ગુણો કેળવીને સ્વયંસેવકોએ કેવી રીતે આદર્શ સેવક બનવાનું છે તેની વિવિધ રોચક, પ્રેરણાત્મક પ્રસ્તુતિઓ દ્વારા દૃઢતા કરાવવામાં આવી હતી.

યજ્ઞપ્રિય સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી અને BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર એવા ઈશ્વરચરણ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના જીવનમાંથી કેવી ઉત્તમ રીતે સેવાકાર્ય કરવાનું છે તેની સમજણ દૃઢ કરાવી હતી.

સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ માટે સેવારત હજારો સ્વયંસેવકોમાં, કોઈ ઉદ્યોગપતિ છે, તો કોઈ સરકારી પદાધિકારીઓ છે, કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી છે, તો કોઈક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે.

આ પ્રેરણા સભામાં હજારો સ્ત્રી-પુરુષ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ સભામાં અનેક સંતોએ પણ હાજરી આપીને સ્વયંસેવકોની સેવાની પ્રશંસા કરી હતી.

આબાલ -વૃદ્ધ- સ્ત્રી- પુરુષ સૌ કોઈ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ માટે સ્વયંસેવક બન્યા છે.સ્વયંસેવકો કોઈક સ્વાસ્થ્યની મુશ્કેલીજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા, તો કોઈક સામાજિક પ્રસંગોના આયોજનો વિચારી રહ્યા હતા, પરંતુ પોતાના પ્રમુખસ્વામી મહારાજના આ ઉત્સવમાં સ્વયંસેવકોએ ધંધા-વ્યવસાય, કોઈક સામાજિક પ્રસંગો ઠેલીને તો કોઈક પોતાની નોકરીમાંથી રજા લઈને સેવામાં જોડાયા છે.

કાર્યક્રમના અંતમાં આ મહોત્સવના પ્રેરણામૂર્તિ અને જેમણે સતત માર્ગદર્શન અને પ્રેરણાવચનો દ્વારા સંતો - સ્વયંસેવકોને આ મહોત્સવમાં યાહોમ કરવાની હાકલ કરી એવા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામીએ પોતાનું સમગ્ર જીવન અન્યોને કાજે સમર્પિત કરી દીધુ. તેમનું ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી. આ મહોત્સવ તેમનું યથાશક્તિ ઋણ ચૂકવવાનો અવસર છે. સ્વયંસેવકોની તનતોડ, નિ:સ્વાર્થ સેવાને તેમણે હ્રદયપૂર્વક વધાવી હતી.



























































