મોટેરાથી ગાંધીનગર સચિવાલય સુધી આ તારીખથી દોડશે મેટ્રો, માર્ગમાં નવા 7 સ્ટેશને ઊભી રહેશે
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણમાં મેટ્રો રેલ સેવા લોકપ્રિય બની ગઈ છે. આ સેવાને મોટેરાથી ગાંધીનગર સચિવાલય સુધી વિસ્તારવામાં આવી છે. આવનારા દિવસોમાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી મેટ્રો દોડતી થઈ જશે.

મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આગામી 27મી એપ્રિલને રવિવારથી મેટ્રો મોટેરાથી સચિવાલય સુધી દોડતી થશે.

મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-૧૦એ આ નવા સ્ટેશનોએ પણ ઊભી રહેશે. છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચશે.

સચિવાલય સુધી મેટ્રો સેવાનું વિસ્તરણ અને નવા સ્ટેશનોનો ઉમેરો એ સુગમ પરિવહનની દિશામાં એક આવકારદાયક પગલું છે. હવે વધુને વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવી શકશે.

આ નવા રૂટ અને સ્ટેશનો પર ટ્રેનના સમયપત્રક વિશે વિગતવાર માહિતી વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર શનિવારથી ઉપલબ્ધ થશે.

મેટ્રો સેવાનું આ વિસ્તરણ માત્ર મુસાફરીને સરળ જ નહીં બનાવે પરંતુ પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂપ થશે. હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ આરામદાયક અને ઝડપી બની છે.

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન સેવાને, આગામી દિવસોમાં અક્ષરધામથી લઈને મહાત્મા મંદિરને જોડી દેવાશે