Knowledge : ‘ફ્લાઈંગ કાર’ જોઈ છે ? જેની એક કલાકમાં છે 130 કિમીની તેજ રફતાર, દુબઈમાં થયું સફળ પરીક્ષણ
દુબઈમાં પ્રથમ વખત ફ્લાઈંગ કારે (Electric flying car) સફળતાપૂર્વક ઉડાન ભરી છે. તેનો ઉપયોગ માણસોને લાવવા અને પરિવહન કરવા માટે કરવામાં આવશે. 8 પ્રોપેલરથી સજ્જ આ ફ્લાઈંગ કાર બે લોકો બેસી શકે છે. જાણો કોણે બનાવ્યું અને કેટલું ખાસ છે...

દુબઈમાં પ્રથમ વખત ફ્લાઈંગ કારે (Electric flying car) સફળતાપૂર્વક ઉડાન ભરી છે. તેનો ઉપયોગ માણસોને લાવવા અને પરિવહન કરવા માટે કરવામાં આવશે. 8 પ્રોપેલરથી સજ્જ આ ફ્લાઈંગ કારમાં બે લોકો બેસી શકે છે. તેની ઘણી વિશેષતાઓ છે. ઉદાહરણ તરીકે, તે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવામાં ઉડી શકે છે. તે વર્ટિકલ લેન્ડિંગ અને ટેકઓફ કરવા સક્ષમ છે એટલે કે સીધી ઉડાન વડે તે સીધી જમીન પર ઉતરી શકે છે. જાણો કોણે બનાવ્યું અને કેટલું ખાસ છે...

ઉડતી કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક (Electric flying car) છે અને ઝીરો કાર્બન ઉત્સર્જન કરે છે. તે 500 કિલો સુધીનો ભાર ઉપાડી શકે છે. તે ઓટોનોમસ ફ્લાઇટ ક્ષમતા સાથે ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમથી પણ સજ્જ છે. આવનારા સમયમાં દુબઈમાં આવી ફ્લાઈંગ કારનો અનેક રીતે ઉપયોગ થઈ શકે છે.

આ ઉડતી કારને ઇલેક્ટ્રિક વાહન કંપની Xpeng Inc દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધિ ગણાવવામાં આવી રહી છે. સોમવારે તેનું માનવરહિત પરીક્ષણ કરવામાં આવ્યું છે. જે સફળ રહ્યું છે. કંપનીનું કહેવું છે કે, જુલાઈ 2021માં આ ફ્લાઈંગ કારમાં માણસોને બેસાડીને ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.

દુબઈ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઈન્ટરનેશનલ ઓફિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓમર અબ્દુલ અઝીઝ અલખાન કહે છે કે, નવી ફ્લાઈંગ કાર એક લક્ઝરી સર્વિસ છે. ઉચ્ચ નેટવર્થ ધરાવતા લોકો આવી અદ્ભુત વસ્તુઓની શોધમાં હોય છે. દુબઈ એવી જગ્યા છે, જ્યાં આપણે કહી શકીએ કે, અમારી પાસે આવા ગ્રાહકો છે.

જો કે આ ખાસ પ્રકારની કારની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. માણસો સાથે ઉડવું કેટલું સલામત હશે? આ પ્રશ્ન રહે છે. આ પ્રશ્નો વચ્ચે, તેને થોડાં વર્ષોમાં દુબઈમાં શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.