ABHA Card : શું છે આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ ? જેમાં ગુજરાતે મેળવી નોંધપાત્ર સિદ્ધિ..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ ગુજરાતે 4.77 કરોડથી વધુ એટલે કે રાજ્યની અંદાજે 70% વસતીના નાગરિકોની આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) હેઠળ નોંધણી કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વડાપ્રધાનના ડિજિટલ ભારતના વિઝનને સાકાર કરતા હેલ્થ રેકોર્ડ્સના ડિજિટલાઇઝેશનમાં દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે.

દેશભરમાં 30 એપ્રિલે ઉજવાતા આયુષ્માન ભારત દિવસ નિમિત્તે રાજ્ય સરકારે હાંસલ કરેલી આ સિદ્ધિ એ નાગરિકોને સુલભ અને ગુણવત્તાસભર તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ખાસ કરીને આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) એ નાગરિકોને આપવામાં આવતી ડિજિટલ આરોગ્ય ઓળખ છે, જેનો ઉદ્દેશ વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડ્સને એકીકૃત કરીને તેમને સુરક્ષિત રીતે સંરક્ષિત કરવો છે. આ અંતર્ગત, નાગરિકોને એક ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવે છે, જેના માધ્યમથી તેમના આરોગ્ય રેકોર્ડ્સ ઓનલાઈન સુરક્ષિત રીતે જાળવી શકાય છે. આ સિસ્ટમ માહિતીની ગોપનીયતા અને ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરે છે, અને માહિતી માત્ર નાગરિકની પરવાનગી બાદ જ શેર થાય છે.

હમણાં સુધી આ મિશન અંતર્ગત 2.26 કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડ્સને સફળતાપૂર્વક ડિજિટલ રીતે લિંક કરવામાં આવ્યા છે. ઉપરાંત, 17,800થી વધુ આરોગ્ય સંસ્થાઓની નોંધણી પણ પૂર્ણ થઈ ચૂકી છે, જેના કારણે આરોગ્યસેવાઓની ગુણવત્તા અને પહોંચમાં નોંધપાત્ર સુધારો થયો છે. સાથે જ, 42,000થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સે પણ નોંધણી કરીને પોતાને ડિજિટલ હેલ્થ સિસ્ટમ સાથે જોડ્યા છે.

દેશભરમાં અમલમાં મુકાયેલા 100 ABDM માઇક્રોસાઇટ પ્રોજેક્ટ્સમાં, ગુજરાતની ભાવનગર માઇક્રોસાઇટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારત સરકારે નિર્ધારિત કરેલી 9 મહિનાની સમયમર્યાદા પૂર્વે જ ભાવનગરે તમામ માઈલસ્ટોન હાંસલ કર્યા છે. એ સાથે ભાવનગર દેશની એવી પ્રથમ માઇક્રોસાઇટ બની છે, જેણે 2 લાખથી વધુ આરોગ્ય રેકોર્ડ્સને ડિજિટલી લિંક કર્યા છે. રાજ્યની અન્ય ત્રણ મુખ્ય માઇક્રોસાઇટ્સ – અમદાવાદ, સુરત અને રાજકોટમાંથી અમદાવાદ અને સુરતે તાજેતરમાં તમામ લક્ષ્યો પૂર્ણ કર્યા છે, જ્યારે રાજકોટ પણ તેના લક્ષ્યો પૂર્ણ કરવાની નજીક છે.

27 સપ્ટેમ્બર, 2021ના રોજ ખાનગી આરોગ્ય વ્યાવસાયિકો અને સંસ્થાઓને ડિજિટલ સેવાઓ સાથે જોડવા માટે અમદાવાદ, સુરત અને મુંબઈમાં ABDM માઇક્રોસાઇટ પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટના સકારાત્મક પરિણામોને ધ્યાને લઇ સમગ્ર દેશમાં હવે 100 માઇક્રોસાઇટ્સ અમલમાં મુકાઈ છે.

ABDM હેઠળ ઉપલબ્ધ 'સ્કેન અને શૅર' સુવિધાથી આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. રાજ્યની 19 મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં આ સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં નોંધાયેલા નાગરિકો ફક્ત QR કોડ સ્કેન કરીને સહેલાઈથી OPD ટોકન મેળવી શકે છે.

દર્દીની સંમતિ આધારે, ડૉક્ટરો ABHA સાથે જોડાયેલી તમામ ડિજિટલ આરોગ્ય માહિતી તરત જ ઍક્સેસ કરી શકે છે. ‘સ્કેન અને શૅર’ સુવિધાએ માત્ર દર્દીના અનુભવમાં સુધારો કર્યો નથી, પરંતુ આરોગ્યસેવાઓની સમગ્ર પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને અસરકારક પણ બનાવી છે.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. સ્વાસ્થ્યને લગતી અન્ય માહિતી વાંચવા અહીં ક્લિક કરો..
