સોનું ‘મોટું કમબેક’ કરવા માટે તૈયાર… 45 વર્ષના ડેટાએ ખોલ્યું રહસ્ય, શું ફરી આવશે ‘ઐતિહાસિક તેજી’?
ભારતમાં સોનાને હંમેશા મુશ્કેલ સમયનું સૌથી ભરોસાપાત્ર અને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે પરંતુ શું 'સોનું' ખરેખર મોટો નફો કરાવી શકે છે? તાજેતરના એક રિપોર્ટમાં ગોલ્ડના છેલ્લા 45 વર્ષના રેકોર્ડ સાથે કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ દર્શાવે છે કે, 'સોનું' દરેક વખતે માત્ર તેજી જ નથી આપતું. કેટલાંક તબક્કા એવા પણ આવ્યા છે કે, જ્યાં રોકાણકારોને વર્ષો સુધી કોઈ રિટર્ન નથી મળ્યું. એવામાં મોટો સવાલ એ છે કે સોનાના ભાવમાં ચાલી રહેલી સુસ્તી વચ્ચે હવે ફરીથી મોટી તેજી ક્યારે આવશે?

ભારતમાં સોનું માત્ર ઘરેણાં સુધી સીમિત નથી. તેને હંમેશા મુશ્કેલ સમયનું સૌથી ભરોસાપાત્ર રોકાણ માનવામાં આવેલ છે. શેરબજારમાં કડાકો હોય, મોંઘવારી વધી રહી હોય કે દુનિયામાં અનિશ્ચિતતાનો માહોલ હોય, રોકાણકારો અવારનવાર ગોલ્ડ તરફ વળે છે. તાજેતરના વર્ષોમાં સોનાના ભાવમાં વધારે ઉથલપાથલ જોવા મળી છે. જો કે, હવે ભાવ થોડા સમયથી એક દાયરામાં ચાલી રહ્યા છે. એવામાં રોકાણકારોના મનમાં સવાલ છે કે, શું આ માત્ર એક સ્થિરતા છે કે તેના પછી ફરીથી મોટી તેજી જોવા મળી શકે છે?

FundsIndia ના રિપોર્ટમાં ગોલ્ડના 45 વર્ષના રેકોર્ડને જોઈએ તો એક વાત સ્પષ્ટ નજરે પડે છે કે, સોનાની કિંમત હંમેશા એકસરખી ઝડપે વધતી નથી. ઘણીવાર એવું બન્યું છે કે, જ્યારે 'સોનું' સતત કેટલાક વર્ષો સુધી એક લિમિટેડ રેન્જમાં કારોબાર કરતું રહ્યું અને રોકાણકારોને કોઈ ખાસ રિટર્ન ન મળ્યું. રિપોર્ટમાં આવા જ ત્રણ મોટા તબક્કા દર્શાવાયા છે, જેથી એ સમજાવી શકાય કે ગોલ્ડની સફર તેજી અને અટકાવ, એમ બંને તબક્કાઓમાંથી પસાર થાય છે.

વર્ષ 1980 માં સોનાની કિંમત તે સમયના ઓલ-ટાઇમ હાઇ (રેકોર્ડ હાઇ) પર પહોંચી ગઈ હતી પરંતુ ત્યારબાદ બજારમાં લાંબી સુસ્તી આવી. આગામી લગભગ 10 વર્ષ સુધી સોનાના ભાવ તે જ દાયરામાં ફરતા રહ્યા અને કોઈ નવો રેકોર્ડ ન બન્યો. તેનો અર્થ એ છે કે, જો કોઈ રોકાણકારે વર્ષ 1980 ના સૌથી ઊંચા ભાવે ગોલ્ડ ખરીદ્યું હોત, તો તેણે પોતાના રોકાણ પર સારું રિટર્ન મેળવવા માટે લગભગ એક દાયકા સુધી રાહ જોવી પડી હોત. આ તબક્કો દર્શાવે છે કે, ગોલ્ડમાં ખોટા સમયે એન્ટ્રી લેવા પર લાંબા સમય સુધી ધીરજ રાખવી પડી શકે છે.

વર્ષ 1996 માં એકવાર ફરી ગોલ્ડના ભાવમાં તેજી આવ્યા બાદ બજાર શાંત થઈ ગયું. આગામી લગભગ સાત વર્ષ સુધી ભાવમાં કોઈ મોટો વધારો જોવા ન મળ્યો. આ દરમિયાન ઘણા રોકાણકારોને લાગ્યું કે, ગોલ્ડ હવે આકર્ષક રોકાણ નથી રહ્યું પરંતુ આ માત્ર એક અટકાવનો તબક્કો હતો. જો કે, પછીના વર્ષોમાં ગોલ્ડ ફરી મજબૂત તેજી દર્શાવી. વર્ષ 2008 ની ગ્લોબલ આર્થિક મંદી પછી ગોલ્ડમાં જબરદસ્ત તેજી આવી અને વર્ષ 2012 સુધી તેના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા. ત્યારબાદ લગભગ સાત વર્ષ સુધી સોનાની ચાલ સુસ્ત રહી. કિંમતો એક સીમિત દાયરામાં ફરતી રહી અને રોકાણકારોને અપેક્ષા મુજબ રિટર્ન ન મળ્યું. જો કે, વર્ષ 2019 પછી સોનાનું ચિત્ર બદલાવા લાગ્યું. ગ્લોબલ અનિશ્ચિતતાઓ, સેન્ટ્રલ બેંકોની ખરીદી અને આર્થિક પરિસ્થિતિઓને કારણે ગોલ્ડમાં ફરી નવી તેજી જોવા મળી.

FundsIndia ના રિપોર્ટ મુજબ, વર્ષ 1995 થી વર્ષ 2025 સુધીના આંકડા દર્શાવે છે કે ગોલ્ડે લોન્ગ ટર્મમાં મોંઘવારી કરતાં સારું રિટર્ન આપ્યું છે. ટૂંકમાં, જો કોઈ રોકાણકાર કેટલાક વર્ષો સુધી રોકાણ જાળવી રાખે છે, તો તેની ખરીદશક્તિ (Purchasing Power) વધારવામાં ગોલ્ડ મદદ કરે છે. રિપોર્ટ અનુસાર, લાંબા સમયગાળામાં ગોલ્ડે મોંઘવારી કરતાં સરેરાશ 5-6% સારું પર્ફોર્મ કર્યું છે. આ જ કારણ છે કે, તેને પોર્ટફોલિયોમાં એડ (Add) કરવાની સલાહ આપવામાં આવે છે. FundsIndia ના રિપોર્ટ મુજબ, લાંબા સમયગાળામાં ગોલ્ડ પાસેથી બહુ વધારે રિટર્નની અપેક્ષા રાખવી જોઈએ નહીં. સામાન્ય રીતે ગોલ્ડ મોંઘવારી કરતાં થોડું વધારે, એટલે કે લગભગ 2-4% વધારાનું રિટર્ન આપે છે. આનો અર્થ એ છે કે, ગોલ્ડનો ઉદ્દેશ્ય શેરબજાર જેવી ઝડપી વેલ્થ ક્રિએશન કરવાનો નથી પરંતુ વેલ્થ પ્રિઝર્વેશન (સંપત્તિનું રક્ષણ) કરવાનો છે.

રિપોર્ટનો એક રસપ્રદ આંકડો એ પણ છે કે, વર્ષ 1980 પછીથી અત્યાર સુધીના 10 વર્ષના કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પિરિયડમાં ગોલ્ડે નેગેટિવ રિટર્ન આપ્યું નથી. આટલું જ નહીં, 15 વર્ષના સમયગાળામાં ગોલ્ડનું સરેરાશ વાર્ષિક રિટર્ન લગભગ 10% રહ્યું. તેનો અર્થ એ છે કે, જેટલું લાંબું રોકાણ કરશો, નુકસાનની શક્યતા એટલી જ ઓછી થતી જાય છે. ગોલ્ડને સુરક્ષિત રોકાણ ચોક્કસ માનવામાં આવે છે પરંતુ તેનો અર્થ એ નથી કે, તેમાં ઘટાડો આવતો નથી. રિપોર્ટ જણાવે છે કે, લગભગ દર વર્ષે સોનાના ભાવમાં 10-15% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. કેટલાક વર્ષોમાં આ ઘટાડો 20% થી પણ વધુ રહ્યો. તેમ છતાંય સારી વાત એ છે કે, લગભગ 78% વર્ષમાં ગોલ્ડે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા ચાર દાયકામાં ગોલ્ડે ત્રણ વાર 30% કે તેથી વધુનો મોટો કડાકો જોયો. આ ઘટાડા પછી જૂના રેકોર્ડ લેવલ સુધી પહોંચવામાં સરેરાશ 7 થી 8 વર્ષનો સમય લાગ્યો. સરળ રીતે સમજીએ તો, ગોલ્ડમાં રિકવરી થાય છે પરંતુ તેમાં ધીરજ રાખવી પડે છે.

શેરબજારની દૃષ્ટિએ જોઈએ તો, જો રોકાણનો સમયગાળો 15-20 વર્ષનો હોય, તો Nifty 50 TRI એ મોટાભાગના કિસ્સાઓમાં ગોલ્ડ કરતાં સારું રિટર્ન આપ્યું છે. આ જ કારણ છે કે, ફાઇનાન્શિયલ એક્સપર્ટ આખી રકમ ગોલ્ડમાં રોકવાની સલાહ નથી આપતા. ગોલ્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે પોર્ટફોલિયોમાં બેલેન્સ જાળવી રાખે છે અને બજારમાં મોટા કડાકા દરમિયાન સુરક્ષા આપે છે. રિપોર્ટ મુજબ, ગોલ્ડની કિંમત માત્ર માંગ અને સપ્લાયથી નક્કી નથી થતી પરંતુ તેના પર ઘણા મોટા ગ્લોબલ પરિબળોની અસર પડે છે. આમાં દુનિયાભરની સેન્ટ્રલ બેંકો દ્વારા કરવામાં આવતી ખરીદી, અમેરિકામાં વ્યાજ દર અને બોન્ડ યીલ્ડ, મોંઘવારીનું સ્તર, ડોલર સામે રૂપિયાની ચાલ, અને ગ્લોબલ આર્થિક તથા જીઓ-પોલિટિકલ સ્થિતિનો સમાવેશ થાય છે.

રિપોર્ટનો સૌથી મોટો મેસેજ એ જ છે કે, ગોલ્ડમાં રોકાણ કરતી વખતે ઉતાવળ ન કરવી જોઈએ. જો કોઈ રોકાણકાર માત્ર એક-બે વર્ષનું રિટર્ન જોઈને નિર્ણય લે છે, તો તે ખોટા સમયે Buy કે Sell કરી શકે છે. જો રોકાણનો દ્રષ્ટિકોણ 10-15 વર્ષનો હોય, તો ગોલ્ડે ઇતિહાસમાં મોંઘવારી કરતાં સારું રિટર્ન આપ્યું છે અને નુકસાનનું જોખમ પણ ઘણું ઓછું રહ્યું છે. જો છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ જોવામાં આવે તો લાંબા સમય સુધી શાંત રહ્યા પછી ગોલ્ડમાં કેટલીય વાર મોટી તેજી આવી છે. એવામાં માત્ર જૂના રેકોર્ડના આધારે એવું ન કહી શકાય કે, હવે નવી રેલી નક્કી જ છે. આવનારા સમયમાં ગોલ્ડની દિશા એ વાત પર નિર્ભર કરશે કે, દુનિયામાં વ્યાજ દરો કઈ તરફ જાય છે? સેન્ટ્રલ બેંકો કેટલી ખરીદી કરે છે? ડોલર કેવું પર્ફોર્મ કરે છે અને ગ્લોબલ અર્થવ્યવસ્થાનો માહોલ કેવો રહે છે?

FundsIndia નો રિપોર્ટ જણાવે છે કે, Gold એવું રોકાણ નથી જે દર વર્ષે સરસ રિટર્ન આપે. તેની અસલી તાકાત લોન્ગ ટર્મમાં જોવા મળે છે. વચ્ચે-વચ્ચે કેટલાક વર્ષોની સુસ્તી અને 10-20% નો ઘટાડો તથા ક્યારેક મોટી નબળાઈ પણ તેનો જ એક ભાગ છે. એવામાં જે રોકાણકારો ધીરજ રાખે છે, તેમના માટે ગોલ્ડ લાંબાગાળે મોંઘવારીને માત આપવાનું અને પોર્ટફોલિયોને બેલેન્સ રાખવાનું મજબૂત માધ્યમ સાબિત થયું છે. ટૂંકમાં, ગોલ્ડને ઝડપી નફો કમાવાનું સાધન નહીં પરંતુ લાંબા સમય સુધી એસેટને સેફ રાખનારા રોકાણ તરીકે જોવું વધુ યોગ્ય રહેશે.
બ્રોકરેજ રિપોર્ટમાં મોટા સંકેત… એક્સપર્ટે આ 5 શેરમાં આપ્યું ‘Buy’ રેટિંગ, તમે ખરીદી કરશો કે હજુ રાહ જોશો?
