તુલસી, અપરાજિતા કે મની પ્લાન્ટ…? મુખ્ય દરવાજા પાસે કયો છોડ વાવવો ‘સૌથી શુભ’? જાણો ‘વાસ્તુ નિયમ’
શું તમે જાણો છો કે, તમારા ઘરનો મુખ્ય દરવાજો ફક્ત તમારો આવવા-જવાનો રસ્તો નથી પણ તમારી કિસ્મત અને ઘરમાં આવતી ઊર્જાનો પણ મોટો રસ્તો છે? હવે સવાલ એ થાય છે કે, આ જ દરવાજેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ ખેંચી લાવવા માટે કયો છોડ સૌથી વધુ કામનો છે? તુલસી, અપરાજિતા કે પછી મની પ્લાન્ટ?

ઘરનો મુખ્ય દરવાજો ફક્ત પરિવારના સભ્યોના આવવા-જવાના રસ્તા માત્ર નથી હોતો પરંતુ તે ઘરમાં ઊર્જા, સકારાત્મકતા અને ભાગ્યના પ્રવેશનું સૌથી મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અને સનાતન પરંપરામાં મુખ્ય દરવાજાની જાળવણી તેમજ સજાવટને અત્યંત મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અવારનવાર લોકો ઘરની સુંદરતા વધારવા અને સુખ-સમૃદ્ધિ લાવવા માટે પ્રવેશદ્વાર પર છોડ લગાવે છે. જો કે, દરેક છોડનો પોતાનો એક વિશેષ વાસ્તુ પ્રભાવ હોય છે. લોકોના મનમાં ઘણીવાર એ સવાલ ઊઠે છે કે, 'મુખ્ય દરવાજા' પાસે કયો છોડ લગાવવો સૌથી શુભ? તુલસી, અપરાજિતા કે મની પ્લાન્ટ?

પૌરાણિક માન્યતાઓમાં તુલસીના છોડને માં લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. વાસ્તુના દ્રષ્ટિકોણથી તુલસી વાતાવરણની નકારાત્મકતાને શોષીને તેને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે. જો તમારા ઘરના પ્રવેશદ્વાર પાસે તુલસીનો છોડ છે, તો તે ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિ કે ખરાબ નજરને પ્રવેશતા રોકે છે. જો તમારો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં હોય, તો ત્યાં તુલસી રાખવી અત્યંત લાભદાયી સાબિત થાય છે.

અપરાજિતાની વેલ ભગવાન વિષ્ણુ અને શનિદેવને અત્યંત પ્રિય છે. નામને અનુરૂપ જ તે જીવનમાં આવતી અડચણોને પરાજિત કરવા અને સફળતા અપાવવામાં મદદગાર માનવામાં આવે છે. મુખ્ય દરવાજા પાસે અપરાજિતાની વેલ લગાવવાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે અને સભ્યોની પ્રગતિના બંધ રસ્તા ખુલે છે. અપરાજિતાની વેલને મુખ્ય દરવાજાની જમણી તરફ એટલે કે ઘરની બહાર નીકળતી વખતે જમણા હાથ તરફ લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઉત્તર કે પૂર્વ દિશા તરફ ઉપર ચડાવવી જોઈએ.

મની પ્લાન્ટને વાસ્તુશાસ્ત્રમાં ધનને આકર્ષિત કરનારા છોડ તરીકે ઓળખવામાં આવે છે. તે ઘરના વાતાવરણને શુદ્ધ કરવાની સાથે-સાથે આર્થિક સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. મની પ્લાન્ટને મુખ્ય દરવાજાની બિલકુલ બહાર ખુલ્લામાં રાખવાને બદલે પ્રવેશદ્વારની બરાબર અંદર અથવા અગ્નિ ખૂણામાં રાખવો વધુ પ્રભાવશાળી રહે છે. મની પ્લાન્ટના પાંદડા ક્યારેય જમીનને અડવા ન જોઈએ. તેના પાંદડાનું હંમેશા ઉપરની તરફ વધવું જ આર્થિક વૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે.

જો મુખ્ય દરવાજા પાસે જગ્યા મર્યાદિત હોય અને તમારે ફક્ત એક જ છોડ પસંદ કરવાનો હોય, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી સૌથી ઉત્તમ વિકલ્પ છે. તુલસીનો છોડ આધ્યાત્મિક પવિત્રતા અને સ્વાસ્થ્ય માટે નંબર-1 માનવામાં આવે છે. જો તમે ઘરના પ્રવેશદ્વારને સુંદર રૂપ આપવાની સાથે ધન અને કરિયરમાં પ્રગતિ ઈચ્છો છો, તો અપરાજિતા બીજો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

ધ્યાન રાખો કે, તમે મુખ્ય દરવાજાની જમણી બાજુ અપરાજિતાની વેલ અને પ્રવેશદ્વાર પાસે કોઈ સ્વચ્છ જગ્યાએ તુલસીનો છોડ એકસાથે પણ રાખી શકો છો. આ સંયોજન ઘરમાં સુખ, શાંતિ અને માં લક્ષ્મીનો વાસ સુનિશ્ચિત કરે છે. મુખ્ય દરવાજા પાસે ક્યારેય સૂકાયેલો છોડ કે કાંટાળો છોડ ન રાખવો, કારણ કે તે વાસ્તુદોષનું કારણ બને છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
ચાંદીનો ચંદ્ર બાળકો માટે કેમ મનાય છે શુભ? જાણો પેઢીઓથી ચાલતી આ અનોખી પરંપરા પાછળનું સાચું કારણ
