નેધરલેન્ડના ફુલપાક નિષ્ણાંત જોશ વાન મેગ્લેન ખેડા જિલ્લાની મુલાકાતે, જુઓ PHOTOS
કેન્દ્ર પુરસ્કૃત MIDH યોજના ઇન્ડૉ ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાંત જોશ વાન મેગ્લેન ખેડા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા, ખેડૂતોને ફૂલોની ખેતી માટે જરૂરી પાયાના પરિબળો વિષે જાણકારી આપી.


ફ્લોરીકલ્ચર નિષ્ણાત જોશ વાન મેગ્લેને જિલ્લાના કપડવંજ તથા કઠલાલ તાલુકાની મુલાકાત લઈ અહી થતી ફૂલોની ખેતી વિષે જાણકારી મેળવી. જિલ્લામાં ફુલોની ખેતી કરતા ખેડુતોની આવકમાં વધારો કરવા કપડવંજના સેન્ટર ઓફ એક્સિલન્સને વિકસાવવાનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્ર પુરસ્કૃત મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલેપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) યોજના હેઠળના ઇન્ડૉ ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત જોશ વાન મેગ્લેન ખેડા ભાટેરા ગામે કૃષિ કુટીર નર્સરીની મુલાકાત લીધી.

જિલ્લાના ખેડૂતોને ફૂલોની ખેતી માટે આવશ્યક માર્ગદર્શન આપતા ફુલપાક વિષયના નિષ્ણાત મિસ્ટર જોશ વાન મેગ્લેન ફૂલોની ખેતી માટે જરૂરી પાયાના પરિબળો વિષે જાણકારી આપી હતી.

ફૂલોની ખેતી માટે જરૂરી પાણીની શુદ્ધતા, પ્રોટેક્ટેડ એન્ડ સોઇલલેસ કલ્ચર, શેડીંગ, રંગબેરંગી અને વેરાઈટી ફૂલોનો પ્રયોગ, માર્કેટ આધારિત ફૂલોનું વાવેતર, ક્લાઈમેટ ચેન્જ, કટ ફ્લાવર વાવેતર અને નવી ટેકનોલોજીની મદદથી ફૂલોની ખેતીમાં સતત નિરીક્ષણ જેવા અતિ મહત્વના મુદ્દાઓ વિશે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.

નેધેરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત જોશ વાન મેગ્લેનની ખેડા જિલ્લાની મુલાકાત અંગે સંયુક્ત બાગાયત નિયામક, વડોદરા જે. એમ તુવારે જણાવ્યું હતું કે આવનાર સમયમાં ખેડા જિલ્લાને ફુલોની ખેતીમાં અગ્રેસર કરવા તેમજ ફુલોની ખેતી કરતા ખેડુતોની આવકમાં વધારો કરવા કપડવંજના મહમદપુરા ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સિલન્સને ફૂલો અને શાકભાજીની ખેતી માટે વિકસાવવાનું આયોજન કરવામાં આવશે.






































































