T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાના ઓપનરની રેસમાં પાંચ બેટ્સમેન વચ્ચે સ્પર્ધા, સિલેક્શન બનશે મજેદાર
આવતા વર્ષે જૂનમાં રમાનાર T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા પાસે માત્ર આઠ T20 આંતરરાષ્ટ્રીય મેચ અને IPLની પૂરી સિઝન છે. જેના કારણે પસંદગીકારોને ખેલાડીઓના લેટેસ્ટ પ્રદર્શનના આધારે ટીમમાં પસંદ કરવામાં થોડી મદદ મળશે. આ ટીમના સિલેક્શનમાં સૌથી મોટો પ્રશ્ન ઓપનિંગ જોડીનો રહેશે, જેના માટે ટીમ ઈન્ડિયામાં હાલના સમયમાં પાંચ મજબૂત દાવેદાર છે.

રોહિત શર્મા : T20 વર્લ્ડ કપ 2022માં રોહિત છેલ્લી T20 મેચ રમ્યો હતો. ભલે રોહિત લાંબા સમયથી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી, છતાં તે ભારતનો સૌથી સફળ ઓપનર છે અને હજી પણ તમામ ફોર્મેટનો કેપ્ટન છે. ODI વર્લ્ડ કપ બાદ રોહિત T20 ફોર્મેટમાં નહીં રમે એવી અફવાઓ સામે આવી રહી છે, એવામાં રોહિત અને BCCI તરફથી સત્તાવાર નિવેદન બાદ જ આ અંગે કોઈ ખુલાસો થશે, છતાં ઓપનર તરીકે ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ રોહિત જ રહેશે.

શુભમન ગિલ : T20 વર્લ્ડ કપ 2022 બાદ T20માં ઓપનર તરીકે ભારતની પહેલી પસંદ શુભમન ગિલ જ રહ્યો છે. તેણે 157.80ના સ્ટ્રાઈક રેટથી 890 રન બનાવ્યા છે અને ટીમમાં તેનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. તે ઝડપી રન બનાવવાની સાથે પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરવામાં પણ પારંગત છે. તેનામાં લાંબી ઈનિંગ રમવાની ક્ષમતા છે. જો રોહિત 2024 T20 વર્લ્ડ કપમાં રમે છે તો ઈશાન અને રોહિતની જોડીનું ઓપન કરવું લગભગ નક્કી છે.

ઈશાન કિશન : ઈશાન કિશન ટીમમાં કોઈ પણ ક્રમે બેટિંગ કરી શકે છે. ઈશાન ઓપનર તરીકે વધુ સારો અનુભવ ધરાવે છે અને ટીમમાં ઓપનર તરીકેનો ત્રીજો સૌથી મજબૂત વિકલ્પ છે. ODI વર્લ્ડ કપમાં પણ ઈશાને શુભમનની ગેરહાજરીમાં ઓપનર તરીકેની ભૂમિકા નિભાવી હતી. તે વિકેટ કીપર બેટ્સમેન તરીકે કેએલ રાહુલ બાદ બીજો બેસ્ટ વિકલ્પ પણ છે.

યશસ્વી જયસ્વાલ : યશસ્વી જયસ્વાલે આ વર્ષે ઓગસ્ટમાં જ T20 ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી આ ફોર્મેટમાં માત્ર 11 મેચ રમી છે છતાં તે આ તમામ મેચોમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ઓપન કરશે એ લગભગ નક્કી છે. સાથે જ તે આગામી T20 વર્લ્ડ કપમાં પણ ઓપનર તરીકે એક સારો વિકલ્પ છે.

ઋતુરાજ ગાયકવાડ : ઋતુરાજ ગાયકવાડ લાંબી રેસનો ઘોડો છે. તેની પાસે ડોમેસ્ટિક અને IPLમાં રમવાનો બહોળો અનુભવ છે. તે ઓપનર તરીકે સૌથી વધુ સફળ રહ્યો છે. તેનામાં પ્રતિભાની સાથે અનુભવ છે અને તે કોઈ પણ પરિસ્થિતિમાં લાંબી ઈનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે T20 મેચમાં તેણે 57 બોલમાં 123 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ઋતુરાજ T20 વર્લ્ડ કપમાં ઓપનર તરીકે મજબૂત દાવેદાર છે.
