વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી શકશે આ પ્લેયર?
સૂર્યકુમાર યાદવે ધમાકેદાર ઈનિંગ્સ રમીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. તેને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટી20માં 42 બોલમાં 80 રનની ઈનિંગ રમી હતી. સૂર્યાને તેની શાનદાર ઈનિંગ્સ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો.

સૂર્યકુમાર યાદવે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં વિધમાકેદાર ઈનિંગ રમીને સૂર્યાએ ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. હવે સૂર્યાનું નિશાન કોહલીનો 'વિરાટ' રેકોર્ડ છે જેને સૂર્યકુમાર આ સિરીઝમાં તોડી શકે છે. એટલે કે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે રોહિત અને વિરાટને હરાવીને ટોપ પર પહોંચી શકે છે.

સૂર્યકુમાર યાદવે પહેલી ટી20 મેચમાં 42 બોલમાં 80 રનની ઈનિંગ રમી હતી જેમાં 9 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે ભારતની 2 વિકેટની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની ધમાકેદાર ઈનિંગ્સ માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સૂર્યાને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 13મી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સૂર્યકુમાર યાદવે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત 148 ટી 20 મેચમાં 12 વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે, જ્યારે સૂર્યકુમારે 54 મેચમાં આ સ્થાન હાંસલ કર્યું છે. આ લિસ્ટમાં સૌથી ટોપ પર વિરાટ કોહલી છે. વિરાટે 115 મેચમાં 15 વખત આ એવોર્ડ જીત્યો છે. સૂર્યકુમાર પાસે આ સિરીઝમાં વિરાટને પાછળ છોડીને ભારતીય ટી20માં ટોચ પર પહોંચવાની તક છે.

સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટનશીપની શરૂઆત કરતી વખતે આ એવોર્ડ જીતનાર બીજો ભારતીય છે. આ પહેલા ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આ સિદ્ધિ મેળવી હતી. બુમરાહને આ વર્ષે આયર્લેન્ડ પ્રવાસ પર કેપ્ટન બનાવવામાં આવ્યો હતો ત્યાં તેને શાનદાર બોલિંગ કરી હતી. કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચમાં બેસ્ટ ઈનિંગ રમનાર ભારતીય ખેલાડી પણ સૂર્યા બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ કેએલ રાહુલના નામે હતો જેણે અફઘાનિસ્તાન સામે 62 રનની ઈનિંગ રમી હતી.

સૂર્યકુમાર યાદવે પણ ત્રીજા નંબરે અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરીને સિક્સ ફટકારવાની સદી પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજા અને ભારતીયોમાં બીજો ખેલાડી છે. સૂર્યકુમાર પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ સૂર્યાની કપ્તાનીમાં ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોટો રનનો પીછો કર્યો.
