T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું ભારત, સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું, હવે દક્ષિણ આફ્રિકા સામે થશે ટક્કર
ટીમ ઈન્ડિયાએ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવી દીધું છે. આ સાથે ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશી છે, જ્યાં તેમનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે.

અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. શુક્રવાર 31 જાન્યુઆરીએ રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. મતલબ કે હવે ભારત અને દક્ષિણ આફ્રિકા ટાઈટલ મેચમાં સામસામે ટકરાશે. આ મેચ રવિવાર 2 ફેબ્રુઆરીએ રમાશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.

સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. ગ્રુપ સ્ટેજ બાદ ભારતે સુપર સિક્સમાં પણ તમામ મેચ જીતી હતી. સેમીફાઈનલમાં પણ આ વર્ચસ્વ જારી રહ્યું હતું. એટલે કે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી.

બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. તેમણે પણ સારી શરૂઆત કરી અને માત્ર 4 ઓવરમાં 37 રન બનાવ્યા. પરંતુ આ પછી ભારતીય બોલરોએ પોતાની પકડ મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું હતું. પારુણિકા સિસોદિયાએ પાંચમી ઓવરમાં 2 વિકેટ લીધી હતી.

જોકે, ફરીથી ઈંગ્લિશ ટીમના બેટ્સમેનોએ 44 રનની ભાગીદારી કરીને પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આયુષી શુક્લાએ 81 રનના સ્કોર પર ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. અહીંથી ઈંગ્લેન્ડની ટીમના પતનની શરૂઆત થઈ હતી અને આગળના 12 રનમાં વધુ 5 વિકેટ ગુમાવી હતી.

વૈષ્ણવી શર્માએ 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ, પારુનિકાએ 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ, આયુષીએ 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ભારતની ઘાતક બોલિંગ સામે ઈંગ્લેન્ડ 113 રન સુધી જ પહોંચી શક્યું હતું. પારુણિકાને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવી હતી.

114 રનનો પીછો કરતા ભારતના બંને ઓપનરોએ શાનદાર બેટિંગ કરી હતી. કમલિની અને ત્રિશાએ 9 ઓવરમાં 60 રન બનાવ્યા હતા. પરંતુ નવમી ઓવરના છેલ્લા બોલ પર ત્રિશા 29 બોલમાં 35 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જોકે, આની ભારતીય ટીમ પર કોઈ અસર થઈ નથી.

કમલિનીએ સાનિકા સાથે મળીને બાકીના રન આસાનીથી બનાવ્યા હતા. આ મહત્વપૂર્ણ મેચમાં કમલિનીએ 50 બોલમાં 56 રનની ઈનિંગ રમી અને ટીમને જીત અપાવી હતી. ભારતે ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. (All Photo Credit : X / BCCI)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા કરો ક્લિક

































































