Breaking News : સંજુ સેમસનને થઈ ગંભીર ઈજા, આ મોટી મેચમાંથી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની 5 T20 મેચની સિરીઝ સંજુ સેમસન માટે સારી રહી ન હતી. તેના બેટમાંથી કોઈ મોટી ઈનિંગ આવી ન હતી, પરંતુ સિરીઝનો અંત તેના માટે વધુ દુઃખદાયક રહ્યો હતો, જ્યાં તે વહેલા આઉટ થવાની સાથે ઈજાગ્રસ્ત પણ થઈ ગયો હતો અને તેના કારણે હવે તે આગમી મોટી મેચ પણ ગુમાવશે.

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી શાનદાર રીતે સમાપ્ત કરી હતી. મુંબઈમાં રમાયેલી છેલ્લી મેચમાં અભિષેક શર્માની વિસ્ફોટક સદીના આધારે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 150 રનથી હરાવીને શ્રેણી 4-1થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા અને પ્રશંસકોએ જીતની જોરશોરથી ઉજવણી કરી હતી. પરંતુ હવે એવું લાગે છે કે આ શાનદાર સફળતાનો સ્વાદ થોડો ફિક્કો પડી ગયો છે કારણ કે ટીમનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને હવે તેના માટે આગામી કેટલાક અઠવાડિયા સુધી મેદાન પર પરત ફરવું મુશ્કેલ છે.

સેમસનને વાનખેડે સ્ટેડિયમમાં રવિવાર 2 ફેબ્રુઆરીએ રમાયેલી T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચમાં આ ઈજા થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા સંજુ સેમસને ટીમ ઈન્ડિયા માટે ઈનિંગની શરૂઆત કરી અને જોફ્રા આર્ચરના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. પરંતુ ઓવરના ત્રીજા બોલ પર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરે સંજુ સેમસનને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. બોલ સીધો સંજુના ગ્લોવ્ઝ પર વાગ્યો, જેના કારણે તેની આંગળીમાં ઈજા થઈ. આવા સમયે ટીમ ઈન્ડિયાના ફિઝિયોએ મેદાનમાં ઉતરીને થોડો સમય તેની તપાસ કરી અને દર્દને અમુક હદ સુધી ઓછું કર્યું. જો કે સંજુ બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો.

જો કે, ત્યાં સુધી આ ઈજા બહુ ગંભીર દેખાઈ ન હતી, પરંતુ જ્યારે તે બીજી ઈનિંગમાં મેદાન પર આવ્યો ન હતો, ત્યારે લાગ્યું કે સ્થિતિ સારી નથી. તેની જગ્યાએ ભારતીય બોલિંગ દરમિયાન ધ્રુવ જુરેલે વિકેટકીપિંગ કરી હતી. હવે સમાચાર એજન્સી PTIના અહેવાલમાં ખુલાસો થયો છે કે સેમસનને તેના જમણા હાથની છેલ્લી આંગળીમાં ફ્રેક્ચર થયું છે. રિપોર્ટ અનુસાર, સેમસનની આંગળીનું સ્કેન કરવામાં આવ્યું હતું જેમાં આ વાત સામે આવી હતી. જ્યારે સેમસન ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો ત્યારે તેની આંગળીમાં સોજો આવી ગયો હતો, ત્યારબાદ તેનું સ્કેન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં BCCIના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સેમસન હવે લગભગ 5-6 અઠવાડિયાથી ક્રિકેટ એક્શનથી દૂર છે. તે તિરુવનંતપુરમમાં પોતાના ઘરે પરત ફર્યો છે અને ટૂંક સમયમાં બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લેશે. અહીં તે મેડિકલ ટીમની દેખરેખમાં ઈજા પર કામ કરશે અને ત્યાંથી પરવાનગી મળ્યા બાદ જ તે ક્રિકેટમાં પરત ફરી શકશે. આ ઈજાની અસર એ છે કે સેમસન હવે 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં કેરળ માટે મેદાનમાં ઉતરી શકશે નહીં.

એટલું જ નહીં, ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન મેળવવાની તેની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સેમસનને આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ન હતું, પરંતુ વિકેટકીપર રિષભ પંત અથવા કેએલ રાહુલને ઈજા થવાના કિસ્સામાં, સેમસન બેકઅપ કીપર હતો. હવે જો તેની ઈજા ગંભીર હશે તો સેમસનને તક નહીં મળે. જો કે, સેમસન અને રાજસ્થાન રોયલ્સ માટે રાહતની વાત એ છે કે IPL 2025ની સિઝન પહેલા સંજુના સંપૂર્ણ સ્વસ્થ થવાની અપેક્ષા છે. (All Photo Credit : PTI)
ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચારો વાંચવા કરો ક્લિક






































































