Stock Market: બાસમતી ચોખાના બિઝનેસમાં જોડાયેલી કંપની રોકાણકારોને ‘બોનસ શેર’ આપશે, આ તારીખે ડીમેટ ખાતામાં મફતના સ્ટોક આવશે
મલ્ટિબેગર સ્મોલકેપ સ્ટોક તેના રોકાણકારોને બોનસ શેર ઓફર કરવા જઈ રહી છે અને તેના માટેની રેકોર્ડ ડેટ પણ જાહેરાત કરી દીધી છે. એવામાં સવાલ એ છે કે, શું આ જાહેરાત બાદ શેરમાં ઉછાળો આવશે કે નહીં?

બાસમતી ચોખાના વ્યવસાય સાથે જોડાયેલી અગ્રણી કંપનીએ બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ જાહેર કરી છે. કંપનીના બોર્ડે બોનસ શેર આપવા માટે પહેલાથી જ મંજૂરી આપી દીધી હતી. બીજું કે, હવે આ બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

કંપનીની એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, રેકોર્ડ તારીખ બુધવાર (24 ડિસેમ્બર) નક્કી કરવામાં આવી છે. ટૂંકમાં, જે રોકાણકારોના ડીમેટ ખાતામાં 24 ડિસેમ્બર સુધી આ કંપનીના શેર હશે, તેઓ આ બોનસ શેરનો લાભ મેળવી શકશે. કંપનીએ 2:1 ના રેશિયોમાં બોનસ શેર ઓફર કરવાની યોજના જાહેર કરી છે. આનો અર્થ એ થયો કે, 1 જૂના શેર ઉપર કંપની 2 નવા બોનસ શેર મફતમાં આપશે.

આમ જોવા જઈએ તો, જો તમારી પાસે કંપનીના 100 શેર છે, તો બોનસ પછી તમારી પાસે કુલ 300 શેર હશે. કંપનીએ વધુમાં સ્પષ્ટતા કરી છે કે, બોનસ શેર ફાળવવાની અંતિમ તારીખ શુક્રવાર, 26 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આ કોર્પોરેટ કાર્યવાહી પછી બજારમાં શેરની લિકવિડિટી વધશે અને નાના રોકાણકારો આમાં સરળતાથી રોકાણ કરી શકશે.

આ સ્મોલ-કેપ કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં મજબૂત પરિણામો નોંધાવ્યા છે. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 60.5 ટકા વધીને રૂ. 14.8 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 9.2 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક 16.2 ટકા વધીને ₹372.1 કરોડ થઈ.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં બાસમતી ચોખાની મજબૂત માંગ અને નિકાસમાં 72% ની મજબૂત ગ્રોથે આ પરિણામોને વેગ આપ્યો છે. કંપનીનો ઓપરેટિંગ નફો એટલે કે EBITDA પણ 53.9% વધીને રૂ. 24.5 કરોડ થયો છે, જે તેના બિઝનેસ મોડેલની મજબૂતાઈ દર્શાવે છે.

GRM ઓવરસીઝ સ્ટોક રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થયો છે. આ સ્મોલ-કેપ સ્ટોકે છેલ્લા 1 વર્ષમાં 139% નું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. વર્ષ 2025 માં અત્યાર સુધીમાં આ શેરમાં 135% નો વધારો થયો છે. છેલ્લા 3 મહિનામાં તેમાં 33% નો વધારો જોવા મળ્યો છે. શુક્રવારે, તેના શેર ₹470.00 પર બંધ થયા હતા.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
