શેરબજારમાં સાન્તાક્લોઝ રેલીની એન્ટ્રી! શું વર્ષના અંતિમ સાત દિવસોમાં થશે નફાનો વરસાદ? જાણો ઇતિહાસ શું કહે છે
શેરબજારમાં વર્ષાંતે જોવા મળતી 'સાન્તાક્લોઝ રેલી' રોકાણકારો માટે સુવર્ણ તક લાવે છે. છેલ્લા દસ વર્ષના આંકડા દર્શાવે છે કે નાના શેરોએ આ સમયગાળામાં 100% સકારાત્મક વળતર આપ્યું છે.

વર્ષ 2025 હવે અંત તરફ આગળ વધી રહ્યું છે અને સાથે જ શેરબજારમાં ‘સાન્તાક્લોઝ રેલી’ને લઈને ચર્ચા તેજ બની છે. ઇતિહાસ પર નજર કરીએ તો ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં શેરબજારમાં ઘણી વખત તેજી જોવા મળી છે. રોકાણકારોને આ સમયગાળામાં નફાની ભેટ મળતી આવી છે.
ખાસ કરીને છેલ્લા 10 વર્ષના આંકડાઓ દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન સ્મોલ-કેપ શેરોએ 100 ટકા વખત હકારાત્મક વળતર આપ્યું છે. હવે પ્રશ્ન એ છે કે શું આ વખતે પણ રોકાણકારોને કમાણી કરવાની તક મળશે?
ડિસેમ્બર મહિનો હવે તેના અંતિમ તબક્કામાં છે. એક તરફ વિશ્વભરમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ શેરબજારના રોકાણકારોની નજર વર્ષના અંતિમ ટ્રેડિંગ દિવસો પર ટકેલી છે. બજાર નિષ્ણાતો અને ઐતિહાસિક ડેટા મુજબ, વર્ષના છેલ્લાં કેટલાક દિવસોમાં શેરબજારમાં ખાસ પ્રકારની તેજી જોવા મળે છે, જેને ‘સાન્તાક્લોઝ રેલી’ તરીકે ઓળખવામાં આવે છે. હવે રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે શું આ વખતે પણ છેલ્લા દસ વર્ષ જેવી જ પરંપરા પુનરાવર્તિત થશે.
અમેરિકાથી ભારત સુધી ‘સાન્તાક્લોઝ રેલી’નું કનેક્શન
સાન્તાક્લોઝ રેલીનો ખ્યાલ પહેલીવાર 1972માં યેલ હિર્શ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે અમેરિકન બજારમાં વર્ષના છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસો અને નવા વર્ષની શરૂઆતના બે દિવસોમાં મોટાભાગે તેજી રહે છે. આ ટ્રેન્ડ માત્ર અમેરિકા પૂરતો સીમિત નથી, પરંતુ ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળે છે.
સેમકો સિક્યોરિટીઝના તાજેતરના સંશોધન અહેવાલ અનુસાર, ભારતના શેરબજારમાં પણ આ ‘જાદુઈ’ સાત દિવસના સમયગાળા દરમિયાન રોકાણકારોને સતત નફો થયો છે. આ માત્ર સંયોગ નહીં પરંતુ ડેટા આધારિત મજબૂત પેટર્ન હોવાનું નિષ્ણાતો માને છે.
નાના શેરોએ મોટી કંપનીઓ કરતાં વધુ વળતર આપ્યું
સેમકો સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ ઝોલ પ્રજાપતિ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં 2015 થી 2024 સુધીના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ અહેવાલમાં એક ચોંકાવનારો તારણ સામે આવ્યો છે કે સાન્તાક્લોઝ રેલી દરમિયાન મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોએ લાર્જ-કેપ શેરોની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કર્યું છે.
ડેટા મુજબ, છેલ્લા 10 વર્ષમાં સાન્તાક્લોઝ રેલી દરમિયાન નિફ્ટી-100 ઇન્ડેક્સે સરેરાશ 1.78 ટકા વળતર આપ્યું છે. જ્યારે BSE મિડકેપ ઇન્ડેક્સે સરેરાશ 2.63 ટકા વળતર નોંધાવ્યું છે. સૌથી વધુ પ્રદર્શન BSE સ્મોલકેપ ઇન્ડેક્સનું રહ્યું છે, જેણે સરેરાશ 3.55 ટકા વળતર આપ્યું છે. વર્ષ 2022માં તો સ્મોલકેપ ઇન્ડેક્સે આ સમયગાળા દરમિયાન 7.23 ટકા સુધીની ઉછાળ દર્શાવી હતી.
સ્મોલકેપ શેરોએ 10 વર્ષમાં ક્યારેય નિરાશ કર્યા નથી
સાન્તાક્લોઝ રેલી દરમિયાન સ્મોલકેપ ઇન્ડેક્સનો સ્ટ્રાઇક રેટ 100 ટકા રહ્યો છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં એક પણ વખત સ્મોલકેપ ઇન્ડેક્સે વર્ષના અંતિમ સાત દિવસોમાં નકારાત્મક વળતર આપ્યું નથી. બીજી તરફ, નિફ્ટી-100 અને BSE મિડકેપ ઇન્ડેક્સનો સફળતા દર 90 ટકા રહ્યો છે. 2015માં નિફ્ટીમાં અને 2018માં મિડકેપમાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ મોટાભાગના વર્ષોમાં બજારે રોકાણકારોને નવા વર્ષની ભેટ આપી છે.
રજાઓ દરમિયાન બજારમાં તેજી કેમ જોવા મળે છે?
ડિસેમ્બરના અંતમાં બજારમાં તેજી કેમ આવે છે તે અંગે બજાર નિષ્ણાતો અનેક કારણો રજૂ કરે છે. સેમકો સિક્યોરિટીઝના અપૂર્વ સેઠ અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) વર્ષના અંતમાં વેકેશન પર જતાં હોવાથી બજારમાં વેચાણનું દબાણ ઘટી જાય છે. ટ્રેડિંગ વોલ્યુમ ઓછું હોવાથી થોડી ખરીદી પણ શેરના ભાવમાં વધારો કરી શકે છે.
આ સાથે જ નવા વર્ષને લઈને રોકાણકારોમાં સકારાત્મક માનસિકતા જોવા મળે છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) અને મ્યુચ્યુઅલ ફંડ્સ પણ વર્ષના અંતે પોતાના બેલેન્સશીટને મજબૂત બનાવવા ખરીદી કરે છે. જોકે 2025ના અંતે પરિસ્થિતિ થોડી મિશ્ર છે. નિફ્ટી તેના રેકોર્ડ હાઈથી થોડું નીચે છે અને FII દ્વારા વેચાણ ચિંતાનું કારણ બન્યું છે, પરંતુ DII અને SIP મારફતે આવતો સતત રોકાણ બજારને મજબૂત આધાર આપી રહ્યો છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
Infosys ના શેરની મોટી છલાંગ, 40 ટકાની તેજી આવતા અમેરિકામાં મચી ગયો હડકંપ, રોકવું પડ્યું ટ્રેડિંગ
