IPL 2025 : 1628 દિવસ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી
ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમનો સૌથી સિનિયર સ્ટાર ખેલાડી અને મેચ વિનર ઓલરાઉન્ડર પ્લેઈંગ 11 માંથી બહાર થયો હતો. ખાસ વાત એ છે કે આ ખેલાડી 1628 દિવસ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાંથી બહાર થયો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની IPL 2025ની શરૂઆત સારી રહી નથી. KKR પહેલી મેચ RCB સામે હારી ગયું હતું અને હવે બીજી મેચ પહેલા તેમનો સ્ટાર ખેલાડી પણ પ્લેઈંગ 11 માંથી બહાર થઈ જતા ટીમને મોટો ફટકો પડ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્ટાર ઓલરાઉન્ડર સુનીલ નારાયણ 1628 દિવસ પછી KKRની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થયો છે. આ ખેલાડી છેલ્લે 2020માં RCB સામેની મેચમાં રમ્યો ન હતો અને KKR તે મેચ હારી ગયું હતું.

સુનીલ નારાયણને બહાર રાખવાનું કારણ કેપ્ટન અજિંક્ય રહાણેએ જણાવ્યું હતું. રહાણેએ કહ્યું કે નારાયણની તબિયત સારી નથી જેના કારણે આ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવો પડ્યો છે. સુનીલ નારાયણની જગ્યાએ મોઈન અલીને તક આપવામાં આવી હતી.

બીજી તરફ, રાજસ્થાન રોયલ્સે તેમની ટીમમાં એક ફેરફાર કર્યો છે. ફઝલહક ફારૂકીના સ્થાને લેગ સ્પિનર વાનિન્દુ હસરંગાને તક આપવામાં આવી હતી, જે લેગ સ્પિનર હોવા ઉપરાંત, એક સારો બેટ્સમેન પણ છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવનમાંથી સુનીલ નારાયણનું બહાર થવું એક મોટો ફટકો છે. કારણ કે તે માત્ર વચ્ચેની ઓવરોમાં આર્થિક રીતે બોલિંગ કરતો નથી, પરંતુ તે અન્ય બોલરોને વિકેટ લેવામાં પણ મદદ કરે છે. જ્યારે નારાયણ એક છેડેથી દબાણ બનાવે છે, ત્યારે જ અન્ય બોલરો વિરોધી ટીમની વિકેટ લઈ શકે છે. આ ઉપરાંત, નારાયણ વિસ્ફોટક બેટિંગ પણ કરે છે. પોતાની આક્રમક બેટિંગથી તેણે KKRને ઘણી મેચો જીતાડી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન : ક્વિન્ટન ડી કોક, વેંકટેશ અય્યર, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિંદુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિષ થીક્ષના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા.

RR vs KKR નો હેડ-ટુ-હેડ રેકોર્ડ : રાજસ્થાન અને કોલકાતા વચ્ચે 29 મેચ રમાઈ છે, જેમાં બંનેએ 14-14 મેચ જીતી છે. રાજસ્થાને સુપર ઓવરમાં બે મેચ જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણાયક રહી હતી. (All Photo Credit : PTI / X / IPL / KKR / RR)
ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને સૌપ્રથમ સિઝનની વિજેતા રાજસ્થાન રોયલ્સ વચ્ચે હંમેશા ટક્કરનો મુકાબલો જોવા મળે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
