IPL 2025 : રિયાન પરાગે 4 કેચ છોડ્યા, શું એટલા માટે તેને 14 કરોડ મળ્યા?
રાજસ્થાન રોયલ્સ સાથે હાલમાં કંઈ સારું ચાલી રહ્યું નથી. પ્રથમ, તેમનો નિયમિત કેપ્ટન ઈજાને કારણે રમી રહ્યો નથી. બીજું, હાલ ટીમની કપ્તાની કરનાર ખેલાડી કેચ છોડીને નિરાશજનક રેકોર્ડ બનાવવામાં વ્યસ્ત છે.

IPL 2025માં રાજસ્થાન રોયલ્સની હાલત ખૂબ જ ખરાબ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ પહેલા, ટીમ 8 માંથી ફક્ત 2 જ મેચ જીતી શકી છે. પોઈન્ટ ટેબલમાં RR ટીમ આઠમાં સ્થાને છે. નિયમિત કેપ્ટન સંજુ સેમસન ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. આવી સ્થિતિમાં, રિયાન પરાગ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ આ ખેલાડી પોતાના પ્રદર્શનથી તેના સાથી ખેલાડીઓનું મનોબળ ઘટાડી રહ્યો છે.

આ સિઝનમાં, રિયાન પરાગે આવા ઘણા પ્રસંગોએ કેચ છોડ્યા છે, જે ટીમ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થયા છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તે હજુ સુધી પોતાને સાબિત કરી શક્યો નથી. IPL 2025ની 42મી મેચમાં RCB સામે રિયાન પરાગે એક ભૂલ કરી જેને તે ભૂલી જવા માંગશે.

RCBની ઈનિંગ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીએ બીજી ઓવર ફેંકી. આ ઓવરના બીજા બોલ પર ફારૂકીએ ફુલ ટોસ ફેંક્યો. RCBના ઓપનર ફિલ સોલ્ટ શોટ રમવા ગયો, પરંતુ બોલ મિડ-ઓફ તરફ ગયો. ત્યાં હાજર રિયાન પરાગે કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો.

રિયાન પરાગે જ્યારે સોલ્ટનો કેચ છોડ્યો તે સમયે સોલ્ટ માત્ર 1 રન પર રમી રહ્યો હતો. આ પછી, સોલ્ટે 23 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 26 રનની ઈનિંગ રમી. ઉપરાંત, વિરાટ કોહલી સાથે મળીને તેણે 40 બોલમાં 61 રનની ભાગીદારી કરી.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 કેચ લીધા છે. પરંતુ તેણે 4 કેચ છોડ્યા પણ છે. તેની કેચ પકડવાની ક્ષમતા માત્ર 55 ટકા છે. કેપ્ટનનું આ રીતે કેચ છોડવું ટીમ માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે.

આ સિઝનમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો, RCB સામેની મેચ પહેલા, તેણે 8 મેચની 8 ઈનિંગ્સમાં 30.28 ની સરેરાશથી 212 રન બનાવ્યા છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રિયાન પરાગ હજુ સુધી એક પણ અડધી સદી પણ ફટકારી શક્યો નથી.

જ્યારે આ સિઝનમાં RCB સામેની મેચ પહેલા રાજસ્થાન રોયલ્સે 8 મેચ રમી છે, જેમાંથી તેઓ 6 હાર્યા છે અને ફક્ત 2 જીત્યા છે અને પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. (All Photo Credit : PTI)
IPL 2025માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમાં ક્રમે છે. RRનું આગળના રાઉન્ડમાં ક્વોલિફાય કરવું ખૂબ જ મુશ્કેલ છે. રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
