IPL 2023ના પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર કરનાર બેટ્સમેનનું લિસ્ટ, ગુજરાત ટાઈટન્સનો બેટ્સમેન ટોપ પર
આઇપીએલમાં શરૂઆતની ઓવર અત્યંત મહત્વપૂર્ણ હોય છે. કારણ કે શરૂઆતની 6 ઓવર પાવરપ્લેની હોય છે જેમાં ફક્ત બે ફિલ્ડર 30 યાર્ડના સર્કલની બહાર ઉભા હોય છે. એટલે બેટીંગ ટીમ પાસે તક હોય છે કે તે આક્રમક બેટીંગ કરીને તોફાની શરુઆત મેળવી શકે છે.

આઇપીએલ 2023 માં પાવરપ્લેમાં એક બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન કરવાની વાત કરીએ તો પાંચ વખત એવું બન્યુ છે કે બેટ્સમેને અડધી સદી પ્રથમ 6 ઓવરની અંદર જ પાર કરી લીધી હોય. તેમાં ગુજરાત ટાઇટન્સનો ખેલાડી પણ સામેલ છે જેણે 7 મેના રોજ પોતાની બેટીંગથી ગુજરાતને આક્રમક શરૂઆત અપાવી હતી. તો નજર કરીએ ટોચના પાંચ બેટ્સમેન પર જેમણે આઇપીએલ 2023માં એક મેચમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન કર્યા છે.

ગુજરાત ટાઇટન્સના રિદ્ધિમાન સહાએ આઇપીએલ 2023ની 51મી મેચમાં લખનૌ સુપર જાયન્ટસ સામે ઓપનીંગમાં બેટીંગ કરતા આક્રમક શરૂઆત કરી હતી. સહાએ પ્રથમ 6 ઓવરમાં 23 બોલમાં 54 રન કર્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. સહાએ મેચમાં 43 બોલમાં 81 રન કર્યા હતા.

કાઇલ માયર્સ એ પણ પાવરપ્લેમાં એક મેચમાં 54 રન કર્યા હતા. કાઇલે પંજાબ કિંગ્સ સામે 22 બોલમાં 54 રન કર્યા હતા જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. કાઇલે આ મેચમાં 54 રન કર્યા હતા. લખનૌની આ મેચમાં પંજાબ સામે 56 રનથી જીત થઇ હતી.

રાજસ્થાન રોયલ્સના તોફાની ઓપનીંગ બેટ્સમેન જોસ બટલરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પાવરપ્લેમાં 22 બોલમાં 54 રન કર્યા હતા. બટલરે તેની ઇનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. રાજસ્થાન રોયલ્સે આ મેચમાં 72 રનથી ભવ્ય જીત મેળવી હતી.

ચેન્નઇ સુપર કિંગ્સના અજિંક્ય રહાણેએ મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં 20 બોલમાં નોટઆઉટ 53 રન કર્યા હતા. રહાણેએ આ મેચમાં 27 બોલમાં 61 રન કર્યા હતા. ચેન્નઇની આ મેચમાં 7 વિકેટથી જીત થઇ હતી.

કાઇલ માયર્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચમાં 22 બોલમાં 53 રન કર્યા હતા. આઇપીએલ 2023ની સીઝનમાં આમ બીજી વાર માયર્સે અડધી સદી પાવરપ્લેમાં ફટકારી હતી. માયર્સ 53 રન કરી આઉટ થઇ ગયો હતો. માયર્સે 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ચેન્નઇએ આ મેચમાં પ્રથમ બેટીંગ કરતા 217 રન કર્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 205 રન કરી શકી હતી અને ચેન્નઇની જીત થઇ હતી.