IND vs ENG : અર્શદીપની ‘સદી’, સૂર્યાના 150 છગ્ગા, રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ મેચમાં બનશે મોટા રેકોર્ડ
ટીમ ઈન્ડિયા રાજકોટના મેદાનમાં પણ રાજ કરી શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયા ત્રીજી T20માં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તેમની નજર જીતની હેટ્રિક ફટકારવા અને શ્રેણી પર કબજો કરવા પર હશે. અહીં અર્શદીપ સિંહ અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર્સ કમાલ કરી શકે છે. ભારત આ મેદાન પર છઠ્ઠી T20 રમશે. જ્યારે ઈંગ્લેન્ડ પ્રથમ વખત રાજકોટમાં T20 રમશે.

ઈંગ્લેન્ડને પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ બે મેચમાં હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા જ્યારે રાજકોટમાં ત્રીજી T20માં ઉતરશે ત્યારે તેમની નજર જીતની હેટ્રિક ફટકારવા અને સિરીઝ પર કબજો જમાવવા પર હશે. ઈંગ્લેન્ડની ટીમ રાજકોટમાં પ્રથમ વખત T20 મેચ રમશે. આવી સ્થિતિમાં તેઓ ફરી એકવાર ભારતીય ટીમ સામે લાચાર દેખાઈ શકે છે.

આ મેચમાં ટોસ પણ મહત્વની ભૂમિકા ભજવશે. જ્યારે રાજકોટમાં અર્શદીપ સિંહ અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર્સ મોટા રેકોર્ડ બનાવી શકે છે. જો સ્થિતિ ભારતની તરફેણમાં રહેશે તો ટીમ ઈન્ડિયા રાજકોટમાં પણ રાજ કરશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ ગુજરાતના રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ભારતે આ મેદાન પર અત્યાર સુધી 5 T20 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેદાન પર 4 મેચ ટોસ જીતીને જીતવામાં આવી છે જ્યારે માત્ર 1 મેચ ટોસ હારીને જીતી શકાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 3 મેચ જીતી હતી અને પ્રથમ બોલિંગ કરનાર ટીમે બે મેચ જીતી હતી. અહીં પ્રથમ બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર 189 રન છે. જ્યારે સર્વોચ્ચ સ્કોર 228 રનનો છે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ રાજકોટમાં રમાનારી મેચમાં ખાસ સદી ફટકારી શકે છે. તે આ ફોર્મેટમાં સૌથી વધુ 98 વિકેટ ઝડપનાર ભારતીય બોલર છે. જો અર્શદીપ આવતીકાલની મેચમાં વધુ 2 વિકેટ લેશે તો તે 100 T20 વિકેટ પોતાના નામે કરી લેશે.

ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ બંને મેચમાં નિષ્ફળ રહ્યો છે. પરંતુ જો રાજકોટમાં તેનું બેટ ચાલશે તો તે એક ખાસ રેકોર્ડ પણ બનાવશે. 5 સિક્સર મારતાની સાથે જ સૂર્યા તેના નામે 150 T20 સિક્સર નોંધાવશે. હાલમાં તેના નામે 145 સિક્સર છે. આ મામલે રોહિત શર્મા નંબર 1 છે. રોહિતે સૌથી વધુ 205 T20 સિક્સર ફટકારી છે.

પ્રથમ બે મેચની જેમ જ ઈંગ્લેન્ડે ત્રીજી મેચ માટે પણ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ઈંગ્લેન્ડની ટીમે ચેન્નાઈમાં જે 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતર્યા હતા તે જ 11 ખેલાડીઓ રાજકોટમાં પણ મેદાનમાં જોવા મળશે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: જોસ બેટલર (કેપ્ટન), બેન ડકેટ, ફિલ સોલ્ટ, હેરી બ્રુક, લિયામ લિવિંગ્સ્ટન, જેમી સ્મિથ, જેમી ઓવરટોન, બ્રેડન કર્સ, જોફ્રા આર્ચર, માર્ક વુડ, આદિલ રશીદ.

શરૂઆતની બંને મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરેલી દેખાઈ રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયામાં વધુ ફેરફારનો કોઈ અવકાશ નથી. કોલકાતા T20 પછી રિંકુ સિંહને પીઠમાં ખેંચાણની સમસ્યાને કારણે બે મેચ માટે બહાર કરવામાં આવ્યો હતો. જ્યારે નીતિશ કુમાર રેડ્ડી સ્નાયુમાં ખેંચાણને કારણે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. આ બંનેની જગ્યાએ શિવમ દુબે અને રમનદીપ સિંહને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બેમાંથી એકને રાજકોટમાં તક મળી શકે છે. જ્યારે ચેન્નાઈ T20 રમનાર ધ્રુવ જુરેલનું બહાર થવું નિશ્ચિત છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે/રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી. (All Photo Credit : PTI)
ભારત-ઈંગ્લેન્ડ T20-ODI સિરીઝની તમામ મેચો સહિત ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ સમાચારો વાંચવા કરો ક્લિક
