IPL 2023 Dot Balls: આઇપીએલ 2023 માં આ ટીમે નાખ્યા છે સૌથી વધુ ડોટ બોલ, જાણો કઇ ટીમ છે ટોચ પર
IPL 2023 : આઇપીએલ 2023 માં અત્યાર સુધી બેટ્સમેનોની તોફાની બેટીંગ જોવા મળી છે. પણ બોલરોનું પણ પ્રદર્શન ઉતકૃષ્ટ રહ્યું છે. જ્યા આઇપીએલ 2023 ની અડધી સીઝન સમાપ્ત થઇ છે ત્યારે તમને જણાવી દઇએ આ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ ડોટ બોલ કઇ ટીમે નાખ્યા છે.


ટી20 ક્રિકેટમાં ઘણી વખત વિકેટ કરતા ડોટ બોલને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડોટ બોલથી બેટીંગ ટીમ પર પ્રેશર વધે છે. આઇપીએલ 2023 માં અત્યાર સુધી 36 મેચ સમાપ્ત થઇ ગઇ છે. કેકેઆર અને આરસીબી વચ્ચે 36મી મેચ રમાઇ હતી. ગ્રુપ રાઉન્ડમાં કુલ 70 મેચ રમાવાની છે એટલે કે અડધી સીઝન પૂર્ણ થઇ ગઇ છે. આવો નજર કરીએ ટોચની 5 ટીમ પર જેમના નામે છે આઇપીએલ 2023 માં સૌથી વધુ ડોટ બોલ નાખવાનો રેકોર્ડ.

ટોચ પર છે ગુજરાત ટાઇટન્સ જેણે 7 મેચમાં અત્યાર સુધી સૌથી વધુ 341 ડોટ બોલ નાખ્યા છે. ગુજરાતે 836 બોલ નાખ્યા છે જેમાં ટીમે 53 વિકેટ ઝડપી છે અને 1159 રન આપ્યા છે. ગુજરાત હાલમાં 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાન પર છે.

બીજા સ્થાન પર છે રોયલ ચેલેન્જર્સ બેંગલોર. આરસીબીએ અત્યાર સુધી 322 ડોટ બોલ નાખ્યા છે. 8 મેચમાં આરસીબીએ 950 બોલમાં 59 વિકેટ ઝડપી છે અને 1497 રન આપ્યા છે. આરસીબી પોઇન્ટ ટેબલમાં 5માં સ્થાન પર છે.

7 મેચમાં 311 ડોટ બોલ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાન પર છે. તેણે 808 બોલમાં 1152 રન આપીને 43 વિકેટ ઝડપી છે. એસઆરએચનું પ્રદર્શન 2023માં નિરાશાજનક રહ્યું છે અને તે 4 પોઇન્ટ સાથે 9માં સ્થાને પોઇન્ટ ટેબલમાં છે.

લખનૌ સુપર જાયન્ટસની ટીમ 306 ડોટ બોલ સાથે ચોથા સ્થાન પર છે અને તેણે 7 મેચમાં 837 બોલમાં 1133 રન આપીને 46 વિકેટ ઝડપી છે. કેએલ રાહુલના નેતૃત્વમાં એલએસજીએ 7માંથી 4 મેચમાં જીત મેળવી છે અને ટેબલમાં ચોથા સ્થાન પર છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ પોઇન્ટ ટેબલમાં તો 10માં સ્થાન પર છે પણ ડોટ બોલની જો વાત કરીએ તો ટીમે 7 મેચમાં 300 ડોટ બોલ નાખ્યા છે. ટીમે 828 બોલમાં 1166 રન આપીને 40 વિકેટ ઝડપી છે. દિલ્હી એસઆરએચની જેમ ફક્ત બે મેચ જીતી શકી છે અને તેના ચાર જ પોઇન્ટ છે.

































































