અમદાવાદમાં તૂટશે અનિલ કુંબલેનો સૌથી મોટો રેકોર્ડ, ઇતિહાસ રચવા તૈયાર છે આર અશ્વિન!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 માર્ચથી અમદાવાદમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે. આર અશ્વિન આ મેચમાં અનિલ કુંબલેના બે મોટા રેકોર્ડ તોડી શકે છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. 4 મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ છે. અમદાવાદમાં સિરીઝ કબજે કરવાની સાથે તેની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં એન્ટ્રી પર પણ છે. અમદાવાદમાં બધાની નજર આર અશ્વિન પર રહેશે.

ભારતનો સ્ટાર બોલર અશ્વિન ચોથી ટેસ્ટમાં મહાન ભારતીય બોલર અનિલ કુંબલેનો સૌથી મોટો રેકોર્ડ તોડી શકે છે. કુંબલેનો સૌથી મોટો રેકોર્ડ તોડવા માટે અશ્વિને ચોથી ટેસ્ટમાં ઓછામાં ઓછી 5 વિકેટ લેવી પડશે.

જો અશ્વિન આવું કરી શકશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ કુંબલેના નામે છે.

અનિલ કુંબલેએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં 111 વિકેટ લીધી હતી. જ્યારે આર અશ્વિન 107 વિકેટ સાથે બીજા નંબર પર છે. આ બંને સિવાય અન્ય કોઈ ભારતીય બોલરે આ ટીમ સામે 100થી વધુ વિકેટ લીધી નથી.

આ સિવાય કુંબલે અને અશ્વિન બંનેના નામે ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં 25-25 પાંચ વિકેટ ઝડપવાનો રેકોર્ડ છે. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી 5 વિકેટ ઝડપનાર અશ્વિન કુંબલેને પાછળ છોડી દેશે.