ઓનલાઇન જ્વેલરી ખરીદનારા થઈ જાઓ એલર્ટ ! ખતરનાક ભેળસેળથી કેન્સરનું જોખમ
જો તમે પણ ઓનલાઇન કે લોકલ માર્કેટમાંથી આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદવાના શોખીન છો, તો આ અહેવાલ તમારા માટે અત્યંત મહત્વનો છે. એક ચોંકાવનારા સંશોધનમાં સામે આવ્યું છે કે ફેન્સી જ્વેલરીમાં ઝેરી કેડમિયમ ધાતુની ભેળસેળ કરવામાં આવી રહી છે, જે શરીર માટે કેન્સર અને કિડની-લીવરની ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

જીવન જરૂરિયાત પ્રોડકટસને ઓનલાઇન મંગાવવાનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ વધી ગયો છે. ઘરનું રાશન હોય, કપડાં હોય કે દવાનો સામાન, બધું જ ઓનલાઇન મળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણા ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ પર એવી આર્ટિફિશિયલ જ્વેલરી વેચવામાં આવી રહી છે, જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ ઊભું થાય છે? જાણો શું છે આ આખો મામલો.

યુકેમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો: એવું કહેવાય છે કે જો આર્ટિફિશિયલ જ્વેલરી જેમ કે નેકલેસ, રિંગ અને ઇયરરિંગ્સનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે, તો કેન્સરનું જોખમ વધે છે. અહીં ઓનલાઇન મળતી એવી જ્વેલરીની વાત થઈ રહી છે જેમાં નિર્ધારિત મર્યાદા કરતાં 9000 ગણું વધુ કેડમિયમ ભેળવવામાં આવી રહ્યું હતું. આ કિસ્સો યુકેમાં સામે આવ્યો છે, જ્યાં ઓનલાઇન અને લોકલ માર્કેટમાં વેચાતી નકલી જ્વેલરીમાં કેડમિયમ અથવા સીસું ઉમેરવામાં આવતું હતું. ત્યાં કેડમિયમ ભેળવવાની મર્યાદા 0.01 ટકા નક્કી કરવામાં આવી છે, પરંતુ તપાસમાં જે સામે આવ્યું તે અત્યંત ચોંકાવનારૂં હતું.

રીસર્ચમાં શું ખુલાસો થયો? આર્ટિફિશિયલ જ્વેલરીમાં કેડમિયમની હદથી વધારે ભેળસેળનો રિપોર્ટ 'ધ સન્ડે ટાઇમ્સ'ના ઇન્વેસ્ટિગેશનમાં પબ્લિશ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ, પોપ્યુલર ઓનલાઇન પ્લેટફોર્મ્સ એવી વીંટી, નેકલેસ અને ઇયરરિંગ્સ વેચી રહ્યા હતા જેમાં કેડમિયમની ભેળસેળ 9000 ગણી વધારે હતી.

નિયમ મુજબ યુકેમાં આર્ટિફિશિયલ જ્વેલરીમાં 0.01 ટકાથી વધુ કેડમિયમ ન હોવું જોઈએ. પરંતુ તપાસમાં જોવામાં આવ્યું કે જે પ્રોડક્ટને '925 સિલ્વર' એટલે કે 92.5 ટકા ચાંદીથી બનેલી બતાવીને વેચવામાં આવી રહી હતી, તે વીંટીમાં 92 ટકા હિસ્સો ચાંદીનો નહીં પણ ઝેરી કેડમિયમનો હતો. આ સિવાય એક બ્રેસલેટમાં 3300 ગણું વધુ કેડમિયમ મળ્યું હતું. તપાસ બાદ આ તમામ પ્રોડક્ટ્સને માર્કેટમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી.

કેન્સર, કિડની અને લીવરની બીમારીનું જોખમ: યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીનું કહેવું છે કે જો કેડમિયમ ધાતુનો કોઈને કોઈ રીતે લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે, તો તેનાથી માત્ર કેન્સર જ નહીં પરંતુ કિડની અને લીવર સંબંધિત ગંભીર બીમારીઓ પણ થાય છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ક્રિસ્ટર હોગસ્ટ્રેન્ડે જણાવ્યું હતું કે આવા હેવી મેટલથી કિડનીનું કેન્સર થઈ શકે છે. લીવરને નુકસાન પહોંચાડવા ઉપરાંત આ ઝેરી તત્વો હાડકાં નબળાં પાડતી બીમારી ઓસ્ટિયોપોરોસિસનો ભોગ પણ બનાવી દે છે.

ઇયરરિંગ્સ વાપરવામાં સૌથી વધુ જોખમ: રિપોર્ટ જણાવે છે કે આ પ્રકારની જ્વેલરીમાં ઇયરરિંગ્સથી સૌથી વધુ જોખમ રહે છે. કારણ કે કાન વિંધાયેલો હોવાથી ઇયરરિંગ્સ ત્વચાના સીધા સંપર્કમાં આવે છે. આ રીતે શરીરમાં ઝેરી ધાતુ સરળતાથી પ્રવેશ કરી જાય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ભારતમાં પણ આર્ટિફિશિયલ જ્વેલરીનો મોટા પાયે ઉપયોગ થાય છે, તેથી અહીં કયા લેવલ પર આવી હેવી મેટલ્સની ભેળસેળ થઈ રહી હશે તે પોતાનામાં જ એક ચિંતાનો વિષય છે.
ક્યાંક દેડકાના લગ્ન તો ક્યાંક ગધેડા ખાશે ગુલાબજાંબુ! વરસાદ લાવવા માટે ભારતમાં લોકો કરી રહ્યા છે અનોખો જુગાડ…
