Amreli: વાંચન, સાહિત્ય અને સંગીતનો સમન્વય એવા જે. આર. જોષીની શું છે આગવી વિશેષતા, જુઓ Photos
Amreli: અમરેલીના જે.આર. જોષી એક એવુ નામ જે સાહિત્ય રસથી છલોછલ તો ખરા જ, પરંતુ સંગીત રસને પણ તેમણે આત્મસાત કર્યો છે. બહુ નાની ઉંમરથી તેમનામાં સાહિત્ય અને વાંચન પ્રત્યે રૂચિ રહી છે. અમરેલીના નાનકડા ગામ કુંકાવાવમના રહેવાસી જે. આર. જોષીએ પોતાના આત્મબળના જોરે પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

જીવન અનેક પ્રકારના રસથી ભરપૂર છે. જેમ કે સાહિત્યરસ, કલારસ, વીરરસ, શૃંગારરસ. જે આર જોશી પણ એક આવું જ વ્યક્તિત્વ છે. સાહિત્ય રસ અને કલા રસ તેમના જીવનમાં વણાયેલો છે

જે.આર.જોષી. આખું નામ જટાશંકર રતિલાલ જોશી. વાંચન, સાહિત્ય અને સંગીતનો રસ નાનપણથી જ. 76 વરસના અને અમરેલી જિલ્લામાં આવેલ મોટી કુંકાવાવના રહેવાસી જટાશંકર જોશી પોતાની એક આગવી ઓળખ ધરાવે છે

વાંચન અને સાહિત્યના રિસક હોવાથી તેમણે પહેલી લઘુકથા લખી "કેરી". અમરેલીની કેસર કેરીની માફક જ "કેરી" લઘુકથા વંચાયી અને વખણાયી. ત્યારબાદ પહેલી નવલકથા લખાઈ "શમણા નો સંગાથ". આમ એક પછી એક લેખન કાર્યનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો.

આતમનાં ઓજસ, મૃગતૃષ્ણા, શમણા(સમણાં) નો સંગાથ, સૂની આંખોમાં દરિયા, માયામૃગ, સ્નેહ સાગરનાં મોતી, બિંબ-પ્રતિબિંબ, સમયરંગ, આખું આકાશ મારી પાંખમાં વગેરે 11 નવલકથાઓ લખી પરંતુ તેમની ગમતી નવલકથા તો "માયા મૃગ" જ રહી.

નાનપણમાં પરિવાર સાથે મેળામાં જવાનું થયું. ત્યાં વાંસળીની ધૂન સાંભળી અને વાંસળી ખરીદી. વાંસળીની સાથેનો લગાવ અને વાંસળીનો ખરીદવાનો શોખ ઉંમરની સાથે જ વધતા ગયા. આજે તેમની પાસે 100 થી વધુ વાંસળીઓનું કલેક્શન છે.

બાળપણમાં મંદિરમાં પૂજા કરવા જતા. આવા સમયે બાવાજીની એક જગ્યા ઉપર એક નાની વાંસળી મળી. આજ વાંસળી પર તેમના સ્કૂલ શિક્ષકે તેમને મદારી અને નાગિનની ધૂન શીખવાડી. 2012માં ફરીથી તેમણે વાંસળી વગાડવાના શોખને મૂર્તિમંત કરવા માટે youtube ઉપર જોઈને વાંસળી શીખવાનું અને વગાડવાનું શરૂ કર્યું

તેમની પાસે જર્મની અને અમેરિકાની પણ વાંસળીઓ છે. તેમના વાંસળીના શોખને ધ્યાનમાં રાખીને તેમના ભાણેજ અબરીષભાઈએ અંદાજિત 1 લાખ રૂપિયાની જર્મનિની યુનિક "ગેમન હાર્ડટ" વાંસણી ભેટ આપી. જેમા 17 સ્વીચ આવેલી છે.

આજે જટાશંકર જોશી પાસે રૂપિયા 100 થી લઈ અને અંદાજિત 1 લાખ સુધીની વાંસળીઓનું કલેક્શન છે. 6 ઈંચની નાની વાંસળીથી લઈને 3.5(સાડા -ત્રણ) ફૂટ વાંસળીનો સંગ્રહ છે. જેમાં માઉથ ઓર્ગન, દેશી પાવો, પ્લાસ્ટિકની, સ્ટીલની, અને બામ્બુ વાંસળીઓનો સમાવેશ થાય છે.