અયોધ્યા
અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે “અવધ”ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.
સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ “જેની સામે જીતી ન કરી શકાય તેવું” એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.
હિંદુ ધર્મમાં ભારતનાં સાત શહેરો ધાર્મિક મહત્વ ધરાવે છે, તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. ભગવાન રામચંદ્રની તે જન્મભૂમિ હોવાથી આ નગરનો ભારે મહિમા છે. ત્યાં રામચંદ્રજીનાં અનેક સંસ્મરણોને મૂર્તિમંત સ્વરૂપ આપતાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે; જેવાં કે, શ્રી રામચંદ્રજીનું મંદિર, હનુમાન મંદિર (હનુમાનગઢી), સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, રામકોટ, મણિ પર્વત વગેરે. આને કારણે અયોધ્યા પ્રાચીન મંદિરોના શહેર તરીકે જાણીતું છે.
રામલલ્લાનો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બિરાજમાન થયા છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું હતું અને ફૂલો અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામભક્તોએ આપેલા દાનથી થયું છે. રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ સરકારે એક પૈસો પણ ફાળો આપ્યો નથી. આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોના પૈસા પર બનેલું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે.