30 મિનિટનું શ્રેષ્ઠ મુહૂર્ત, 8,000 VIP ગેસ્ટ્સ, મોબાઈલ પર પ્રતિબંધ, દેશ બનશે વધુ એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી
રામ મંદિરમાં 25 નવેમ્બરે આયોજિત થનારા ધ્વજારોહણ સમારોહ સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય સમારોહની ગરિમા સાથે સંપન્ન થશે. વૈદિક પરંપરાઓ અને આધુનિક શિષ્ટાચાર વચ્ચે સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીમાં નિર્ધારીત શુભ મુહૂર્તમાં ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવશે. આ અવધિની અંદર 30 મિનિટના શ્રેષ્ઠ મુહૂર્તમાં ધજા ચડાવવામાં આવશે. આ મૂહુર્ત બપોરે 12 થી 12:30 વાગ્યા સુધીમાં થશે.

આ સમારંભનો સૌથી મહત્વપૂર્ણ સમય એ હશે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવત સ્વતંત્રતા દિવસની જેમ ધ્વજરોહણ કરવામાં આવશે. ધ્વજને વૈદિક મંત્રોચ્ચાર સાથે સલામી આપવામાં આવશે. સમગ્ર સંકુલમાં શંખ, ઢોલ અને શુભ વાદ્યોનો અવાજ ગુંજી ઉઠશે. ધ્વજવંદન થતાં જ મંદિર સંકુલમાં ઘંટારવના નાદથી મંદિર સંકૂલ ગૂંજી ઉઠશે.
રાષ્ટ્રીય તહેવારોની જેમ જ આ સમારંભ યોજાઈ રહ્યો છે. સમગ્ર ધ્વજરોહણ સમારોહ સૈન્ય અધિકારીઓની હાજરીમાં યોજાશે. સંકુલને પરંપરાગત ધજા, ફૂલો અને અસંખ્ય દીવાઓથી શણગારવામાં આવી રહ્યું છે. સમગ્ર શહેરમાં સુરક્ષા, ટ્રાફિક અને મુલાકાતીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઍરપોર્ટથી અયોધ્યા સુધી રોડ શો પણ કરી શકે છે PM મોદી
25 નવેમ્બરે રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહ માટે આગમન દરમિયાન પીએમ મોદી રોડ શો પણ કરી શકે છે. સોમવાર અથવા મંગળવારે SPGના આગમન પછી ઍરપોર્ટથી રામ મંદિર સુધીના પીએમ મોદીના રૂટને અંતિમ ઓપ આપ્યા બાદ રોડ શો અંગે ફાઈનલ નિર્ણય લેવામાં આવશે.
જિલ્લા વહીવટીતંત્રે પીએમ મોદી માટે બે વૈકલ્પિક રૂટ ઓળખી કાઢ્યા છે. પ્રથમ વિકલ્પમાં એરપોર્ટથી મહોબારા બજાર થઈને રામ મંદિર સુધી રોડ માર્ગે મુસાફરી કરવાનો સમાવેશ થાય છે. આ રૂટ આશરે 12 કિમી લાંબો છે. બીજા વિકલ્પમાં સાકેત કોલેજના હેલિપેડ પર હેલિકોપ્ટર ઉતારવાનો અને પછી રામ મંદિર જવાનો સમાવેશ થાય છે. આ રૂટ ફક્ત એક કિમી લાંબો છે. બંને રૂટ પર PMની સંભવિત યાત્રા માટે તમામ સુરક્ષા અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાકેત કોલેજમાં ત્રણ હેલિપેડ પૂર્ણ કરવામાં આવ્યા છે.
વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ બે પ્રસ્તાવિત રૂટનું અનેક તબક્કામાં નિરીક્ષણ કર્યું છે. SPGના આગમન પછી, આ બંનેમાંથી કોઈ એક રૂટ PM મોદી માટે ફાઈનલ કરવામાં આવશે. ત્યારબાદ, રૂટના બંને લેન પર બેરિકેડ લગાવવામાં આવશે. પીએમના કાફલાની અવરજવર દરમિયાન નજીકના ઘરો અને અન્ય ઇમારતોમાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. રસ્તા પર પણ ભારે સુરક્ષા રાખવામાં આવશે. રોડ શો અંગે અંતિમ નિર્ણય SPGની મંજૂરી મળ્યા પછી જ લેવામાં આવશે.
રામ મંદિરની અંદર મોબાઇલ ફોન નહીં લઈ જઈ શકે મહેમાનો
ટ્રસ્ટ અને વહીવટીતંત્રે રામ મંદિરમાં સુરક્ષા વધુ કડક બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. ધ્વજવંદન સમારોહમાં આવનારા મહેમાનોને મોબાઇલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શરૂઆતમાં, મહેમાનોને મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ દિલ્હી બોમ્બ વિસ્ફોટો પછી, સુરક્ષા એજન્સીઓએ વધુ સતર્કતા રાખવાની ભલામણ કરી. ત્યારબાદ, ટ્રસ્ટ અને વહીવટીતંત્રે સંયુક્ત સમીક્ષા બાદ મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો.
રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહ 25 નવેમ્બરના રોજ યોજાવાનો છે. PM નરેન્દ્ર મોદી, RSSના વડા મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત આઠ હજાર મહેમાનો સમારોહમાં હાજરી આપશે. મહેમાનોને મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે 25 નવેમ્બરના રોજ સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે દરેક વ્યક્તિએ મંદિરમાં પ્રવેશ કરી લેવો. સમારોહ માટે મહેમાનોને ખાલી હાથે આવવાનુ રહેશે. તેઓ મોબાઈલ સપણ સાથે નહીં લઈ જઈ શકે. મંદિર પરિસરમાં જ તેમના ભોજન અને નાસ્તાની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે.
સમારોહ માટે સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. રામ જન્મભૂમિ સંકુલમાં વધારાના મેટલ ડિટેક્ટર, ડોગ સ્ક્વોડ અને વધુ દેખરેખ રાખવામાં આવી રહી છે. અધિકારીઓ કહે છે કે મોટા કાર્યક્રમ, વધેલી ભીડ અને દેશવ્યાપી સતર્કતાને ધ્યાનમાં રાખીને આ પગલું જરૂરી હતું. મંદિરની આસપાસ 24×7 દેખરેખ માટે નવા કેમેરા, હાઇટેક કંટ્રોલ રૂમ અને વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રે તમામ મુલાકાતીઓને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાની સાથે મોબાઇલ ફોન ન લાવીને સહયોગ આપે, જેથી મંદિર સંકુલમાં સુરક્ષા, શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે.
