Yoga mistakes : ટ્રેનર વગર યોગ કરતાં હોવ તો આ ભૂલ કરવાથી બચજો, નહીં તો થઈ શકે છે નુકસાન
યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પરંતુ ટ્રેનર વિના ઘરે યોગ કરતા નવા નિશાળીયા કેટલીક સામાન્ય ભૂલો કરી શકે છે.

યોગ શરીરને સ્વસ્થ અને લવચીક રાખવાની સાથે મનને શાંત રાખવામાં પણ મદદરૂપ થાય છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે અને માનસિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થઈ શકે છે. યોગમાં વિવિધ આસનો ઉપરાંત પ્રાણાયામ જેવી શ્વાસ સંબંધિત કસરતોનો પણ સમાવેશ થાય છે.

આજકાલ યોગ શીખવા માટે ઓનલાઈન અનેક વીડિયો અને ટ્યુટોરિયલ્સ ઉપલબ્ધ છે. જેના કારણે ઘણા લોકો કોઈ ટ્રેનર કે નિષ્ણાતના માર્ગદર્શન વિના જ ઘરે યોગ કરવાનું શરૂ કરી દે છે. જોકે, શરૂઆતના તબક્કામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. યોગ કરતી વખતે કરવામાં આવેલી નાની ભૂલ પણ ક્યારેક સ્નાયુઓમાં ખેંચાણ, સાંધામાં ઈજા, વધુ પડતો થાક કે ચક્કર આવવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે પણ ટ્રેનર વિના યોગની શરૂઆત કરી રહ્યા છો, તો કેટલીક સામાન્ય ભૂલો ટાળવી ખૂબ જ જરૂરી છે.

કોઈપણ કસરત શરૂ કરતા પહેલા શરીરને તૈયાર કરવું જરૂરી છે. જેમ જીમમાં વર્કઆઉટ પહેલાં વોર્મ-અપ કરવામાં આવે છે, તેમ યોગમાં પણ મુશ્કેલ આસનો કરતા પહેલાં શરીરને હળવી કસરતો દ્વારા તૈયાર કરવું જોઈએ. ખાસ કરીને સવારે યોગ કરતા હોવ તો શરૂઆતમાં થોડો સમય સૂક્ષ્મ વ્યાયામ અથવા હળવી સ્ટ્રેચિંગ કરી શકાય છે. સીધા જ મુશ્કેલ આસનો કરવાનો પ્રયાસ કરવાથી સ્નાયુઓ અને સાંધા પર વધારે તાણ આવી શકે છે અને ઈજા થવાનું જોખમ વધી શકે છે.

યોગાસન અને પ્રાણાયામમાં શ્વાસની યોગ્ય લય ખૂબ મહત્વપૂર્ણ છે. આસન કરતી વખતે શ્વાસ ક્યારે લેવો અને ક્યારે છોડવો તે સમજવું જરૂરી છે.ખોટી રીતે અથવા વધુ પડતો શ્વાસ રોકીને પ્રાણાયામ કરવાનો પ્રયાસ કરવાથી અસ્વસ્થતા, ચક્કર કે શરીરમાં તણાવ અનુભવાઈ શકે છે. ખાસ કરીને શરૂઆત કરનારાઓએ મુશ્કેલ પ્રાણાયામ જાતે શીખીને કરવાની ઉતાવળ ન કરવી જોઈએ.

યોગનો અર્થ શરીરને તેની ક્ષમતા કરતાં વધુ ખેંચવું કે વાળવું નથી. શરૂઆતમાં દરેક વ્યક્તિની લવચીકતા અલગ હોય છે. તેથી પહેલી જ વખતમાં મુશ્કેલ આસન સંપૂર્ણ રીતે કરવાની કોશિશ કરવી યોગ્ય નથી. યોગમાં ધીમે-ધીમે પ્રગતિ કરવી વધુ મહત્વપૂર્ણ છે. નિયમિત અભ્યાસ સાથે શરીરની લવચીકતા અને સંતુલનમાં સુધારો થઈ શકે છે. પોતાની ક્ષમતાથી વધુ શરીરને ખેંચવા અથવા વાળવાનો પ્રયાસ કરવાથી સ્નાયુઓ અને સાંધામાં ઈજા થઈ શકે છે.

યોગાસન કરતી વખતે શરીરની યોગ્ય ગોઠવણ એટલે કે એલાઇનમેન્ટનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. માત્ર આસનનો આકાર બનાવવો પૂરતો નથી; હાથ, પગ, કમર, ગરદન અને કરોડરજ્જુની સ્થિતિ પણ યોગ્ય હોવી જોઈએ. ખોટી પોઝિશનમાં લાંબા સમય સુધી આસન કરવાથી શરીરના ચોક્કસ ભાગ પર અનાવશ્યક દબાણ પડી શકે છે. તેથી કોઈ પણ આસન શરૂ કરતા પહેલાં તેની યોગ્ય પદ્ધતિ સારી રીતે સમજવી જરૂરી છે. શરૂઆતમાં સરળ આસનોથી પ્રેક્ટિસ કરવી વધુ સલામત રહે છે.

યોગ શરૂ કરતા પહેલાં વોર્મ-અપ જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વ યોગ સત્ર પૂરું કર્યા પછી શરીરને આરામ આપવાનું પણ છે. યોગાભ્યાસ બાદ થોડો સમય શરીરને શાંત અને સામાન્ય સ્થિતિમાં આવવા દેવો જોઈએ. આ માટે શવાસન ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. શવાસનમાં શરીરને સંપૂર્ણ રીતે ઢીલું રાખીને થોડો સમય આરામ કરવામાં આવે છે. આ રીતે સત્ર પૂર્ણ કરવાથી શરીર અને મનને આરામ કરવાની તક મળે છે. યોગ કરતી વખતે પોતાની ક્ષમતા અને શરીરના સંકેતોને સમજવા ખૂબ જરૂરી છે. કોઈ આસન દરમિયાન દુખાવો, ચક્કર અથવા અસ્વસ્થતા અનુભવાય તો તેને અવગણવાને બદલે તરત જ આસન રોકવું જોઈએ. ખાસ કરીને જો તમને પહેલેથી કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો યોગ શરૂ કરતા પહેલાં નિષ્ણાત અથવા યોગ્ય પ્રશિક્ષકની સલાહ લેવી વધુ યોગ્ય છે.
દિવસની શરૂઆત યોગથી કરો, તણાવથી લઈને કમરના દુખાવા સુધી મળશે રાહત
