મેલબોર્નમાં ગુજરાતી પરિવારે મનાવ્યો ‘ગણેશ ઉત્સવ’, વિદેશની ધરતી પર ધામધૂમથી થયું બાપ્પાનું સ્વાગત
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વસતા ધારા પટેલ અને ઈલેશ પટેલના પરિવારે પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી. ખરાબ વાતાવરણ અને સ્થાનિક નિયમોને કારણે બહાર કાર્યક્રમ શક્ય ન હોવાથી ઘરની અંદર જ પરિવારે પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવી હતી અને દાળ-ભાત તેમજ શાક-લાડુના જમણવાર સાથે બાપ્પાને પ્રેમપૂર્વક વિદાય આપી હતી.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં વસતા ભારતીય સમુદાય દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અનંત ચતુર્દશી અને વિસર્જનના દિવસે સ્થાનિક ગુજરાતી પરિવાર દ્વારા ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
પટેલ પરિવારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતા ધારા પટેલ અને ઈલેશ પટેલના નિવાસસ્થાને ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. વિસર્જન માટે સ્થાનિક વાતાવરણ ખરાબ હોવાથી અને વરસાદી માહોલને કારણે બહાર જાહેર સ્થળે કાર્યક્રમ યોજવો શક્ય ન હતો. સ્થાનિક નિયમો અનુસાર, તળાવ કે કુદરતી જળસ્ત્રોતોમાં વિસર્જન પર બંધી હોવાથી પરિવારે ઘર આંગણે જ ગણેશ વિસર્જનનું આયોજન કર્યું હતું.
ખરાબ વાતાવરણ વચ્ચે પણ ઉત્સાહ અકબંધ
સ્થાનિક હવામાન અનુકૂળ ન હોવા છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નહોતી. ઘરના વિશાળ હોલમાં જ તમામ શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા અને ગણપતિ બાપ્પાના જયઘોષ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.
ટ્રેડિશનલ પહેરવેશ અને ભારતીય સંસ્કૃતિ દર્શન
સામાન્ય રીતે વિદેશમાં લોકો કેઝ્યુઅલ ટી-શર્ટ અને પેન્ટ જેવા પહરવેશમાં જોવા મળતા હોય છે પરંતુ આ પ્રસંગે તમામ સભ્યો પંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. મહિલાઓ સાડી અને પુરુષો કુરતા-પાયજામા (લેઘા-ઝભ્ભા) માં સજ્જ થઈને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો આદર તેમજ શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા હતા.
ઉત્સવના અંતે તમામ ભક્તો માટે લાડુ, દાળ-ભાત અને શાક સહિતના પરંપરાગત ગુજરાતી જમણવારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશની ધરતી પર પણ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો પ્રત્યેની શ્રદ્ધા જીવંત રાખવાનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.