Snake and Sandalwood Myth : ચંદનના ઝાડ પાસે સાપ કેમ દેખાય છે ? વર્ષો જૂની માન્યતાનું વૈજ્ઞાનિક સત્ય જાણો
ચંદનના ઝાડ પર સાપ રહે છે એવી માન્યતા વર્ષોથી પ્રચલિત છે, પરંતુ શું તેનું કારણ ખરેખર ચંદનની સુગંધ છે? જાણો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ માન્યતા પાછળનું સાચું કારણ.

બાળપણથી આપણે અનેક વાર્તાઓ, લોકકથાઓ અને ફિલ્મોમાં પણ જોવા મળે છે, કે ચંદનના ઝાડ પર સાપ લપેટાઈને રહે છે. આ કારણે ઘણા લોકોના મનમાં એવી માન્યતા બની ગઈ છે કે ચંદનની સુગંધ સાપને પોતાની તરફ આકર્ષે છે. જોકે, આ માન્યતાને સમર્થન આપતો કોઈ વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી.

વન્યજીવનના નિષ્ણાતો જણાવે છે કે સાપ કોઈ ખાસ વૃક્ષની સુગંધને કારણે ત્યાં પહોંચતા નથી. સાપનું મુખ્ય ધ્યાન પોતાના માટે અનુકૂળ વાતાવરણ, સુરક્ષિત આશ્રય અને શિકાર મેળવવા પર હોય છે. તેથી જો ચંદનના ઝાડની આસપાસ આવા પરિબળો ઉપલબ્ધ હોય તો ત્યાં સાપ જોવા મળવાની શક્યતા વધી જાય છે.

ચંદનના ઝાડ સામાન્ય રીતે ગાઢ છાંયો ધરાવતા અને ઠંડા વિસ્તારોમાં સારી રીતે વિકસે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આવી જગ્યાઓનું તાપમાન આસપાસની ખુલ્લી જગ્યાની તુલનામાં ઓછું રહે છે. ઠંડા લોહીવાળા પ્રાણી (એક્ટોથર્મિક) તરીકે સાપ પોતાનું શરીરનું તાપમાન પર્યાવરણના આધારે નિયંત્રિત કરે છે, તેથી તેમને આવી ઠંડી અને આરામદાયક જગ્યાઓ વધુ અનુકૂળ લાગે છે.

બીજું મહત્વનું કારણ શિકાર છે. ચંદનના ઝાડની આસપાસ ઉંદર, દેડકા, ગરોળી અને નાના જીવજંતુઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ બધા સાપનો કુદરતી ખોરાક હોવાથી તેઓ આવા વિસ્તારોમાં સરળતાથી પહોંચે છે. એટલે જ્યાં શિકાર વધુ હોય ત્યાં સાપની હાજરી પણ સ્વાભાવિક રીતે વધી જાય છે.

આ ઉપરાંત ચંદનના ઝાડની ગાઢ ડાળીઓ અને આસપાસની કુદરતી વતાવરરણ સાપને છુપાવા માટે સુરક્ષિત સ્થળ આપે છે. શિકારીઓથી બચવા અને આરામ કરવા માટે પણ આવા સ્થળો તેમને અનુકૂળ પડે છે.

નિષ્ણાતોના મતે ચંદનની સુગંધ અને સાપ વચ્ચે કોઈ સીધો વૈજ્ઞાનિક સંબંધ નથી. વર્ષોથી ચાલતી લોકમાન્યતાઓ અને વાર્તાઓને કારણે લોકોમાં આ ધારણા મજબૂત બની ગઈ છે. વાસ્તવમાં સાપનો સ્વભાવ તેના નિવાસસ્થાન, તાપમાન, ભેજ અને ખોરાકની ઉપલબ્ધતા પર આધારિત હોય છે.

તેથી જો ક્યારેય ચંદનના ઝાડની આસપાસ સાપ જોવા મળે તો તેનો અર્થ એવો નથી કે તે ઝાડની સુગંધથી આકર્ષાયો છે. મોટા ભાગે તે ત્યાં મળતી ઠંડક, સુરક્ષિત આશ્રય અથવા શિકારની શોધમાં આવ્યો હોય છે. કુદરત વિશેની આવી માન્યતાઓને સમજતી વખતે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવો વધુ યોગ્ય છે, કારણ કે તે આપણને હકીકત અને લોકકથાઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. (All Image Credit Source: Social Media)
આ પણ વાંચો: Money Plant Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલથી પણ ન કરો આ કામ!
