WhatsApp Down ! યુઝર્સને મેસેજ મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી, WhatsApp ને લઈ ઉઠી ફરિયાદ
12 એપ્રિલ, 2025ના રોજ, WhatsApp સર્વિસમાં વિશ્વવ્યાપી ખલેલ સર્જાઈ હતી. ડાઉનડિટેક્ટરના અહેવાલ મુજબ, સેંકડો ફરિયાદો નોંધાઈ હતી, જેમાં મોટાભાગના વપરાશકર્તાઓ મેસેજિંગ ફીચરમાં સમસ્યાનો અનુભવ કરી રહ્યા હતા.

12 એપ્રિલ, 2025ના રોજ, શનિવારે સાંજ દરમિયાન ભારત સહિત અનેક વિસ્તારોમાં WhatsApp સર્વિસ અચાનક પ્રભાવિત થઈ. હજારો વપરાશકર્તાઓએ મેસેજ મોકલવામાં તેમજ સ્ટેટસ અપલોડ કરવા માટે મુશ્કેલીનો સામનો કર્યો.

ડાઉનડિટેક્ટરના આંકડા પ્રમાણે, સાંજના લગભગ 5:22 વાગ્યા સુધીમાં WhatsApp સંબંધિત 597થી વધુ ફરિયાદો નોંધાઈ. અહીં નોંધપાત્ર વાત એ છે કે લગભગ 85% વપરાશકર્તાઓને મેસેજિંગ ફીચરમાં સમસ્યા અનુભવાઈ. તે સિવાય 12% લોકોએ એપ ઓપન કરવામાં તકલીફ જણાવી, જ્યારે 3% વપરાશકર્તાઓ લોગિન કરી શક્યા નહોતાં.

વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (હવેનું Twitter) પર પણ આ ખલેલ અંગે પોતાનો અનુભવો વ્યક્ત કર્યો. એક યુઝરે લખ્યું કે, "શું WhatsApp ડાઉન છે? હું સ્ટેટસ અપલોડ કરવાનો પ્રયાસ કરું છું પણ સતત ‘અપલોડ પેન્ડિંગ’ બતાવે છે." યુઝરે તેની સાથે સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો હતો જેમાં સમસ્યા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

અન્ય વપરાશકર્તાઓએ પણ એવો જ પ્રશ્ન કર્યો કે શું આ સમસ્યા માત્ર એમના સુધી સીમિત છે કે પછી બધાને આવી તકલીફ આવી રહી છે. અનેક લોકોએ મેસેજ ન મોકલાવાની તથા સ્ટેટસ ન અપલોડ થવાની ફરિયાદ કરી.

આ સર્વિસ ખલેલ માત્ર WhatsApp સુધી જ સીમિત રહી નહોતી. કેટલાક વપરાશકર્તાઓએ Instagram અને Facebook જેવી અન્ય મેટાની માલિકીની એપ્લિકેશનમાં પણ તકલીફ હોવાની જાણકારી આપી છે. જોકે, અત્યાર સુધી મેટા તરફથી આ મુદ્દે કોઈ અધિકૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. (All images - Twitter)
ટેક્નોલોજી એટલે વ્યવહારિક હેતુઓ માટે આપણે જે સાયન્સ નોલેજનો ઉપયોગો કરીએ તે એટલે ટેક્નોલોજી. ટેક્નોલોજીના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

































































