IPL 2026માં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ગિફ્ટમાં મળી આ ખાસ કાર, ખાસિયત જાણી ચોંકી જશો, જુઓ Photos
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ માટે 776 રન બનાવી ઓરેન્જ કેપ જીતી. આ શાનદાર પ્રદર્શન બદલ તેમને ટાટા સીએરા કાર ગિફ્ટમાં મળી છે. જોકે, 18 વર્ષની ઉંમર ન હોવાથી વૈભવ હાલ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશે નહીં.

IPL 2026માં વૈભવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતાં 16 મેચમાં 776 રન ફટકાર્યા હતા. સમગ્ર સિઝન દરમિયાન તેમનો સરેરાશ 48.50 રહ્યો હતો, જ્યારે તેમણે કુલ 72 છગ્ગા ફટકારીને એક નવો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે તેમને ઓરેન્જ કેપ એનાયત કરવામાં આવી હતી.

તેમના આ જબરદસ્ત પ્રદર્શનના કારણે વૈભવ સૂર્યવંશીને "ટાટા સીએરા સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડના ભાગરૂપે ટાટા મોટર્સે તેમને પોતાની લોકપ્રિય SUV ટાટા સીએરા ભેટ સ્વરૂપે આપી હતી. આ ભેટ વૈભવ માટે માત્ર એક કાર નહીં, પરંતુ તેમની મહેનત અને સફળતાની ખાસ ઓળખ બની છે. જો કે, વૈભવને મળેલી આ SUV હાલમાં તેઓ જાતે ચલાવી શકશે નહીં. તેનું કારણ એ છે કે ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. હાલ વૈભવ 15 વર્ષના હોવાથી આગામી ત્રણ વર્ષ સુધી તેઓ કાયદેસર રીતે વાહન ચલાવી શકશે નહીં. તેઓ 2029માં 18 વર્ષના થયા બાદ જ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશે.

ટાટા સીએરા ભારતની સૌથી જાણીતી SUVમાંથી એક માનવામાં આવે છે. ટાટા મોટર્સે થોડા સમય પહેલા આ લોકપ્રિય મોડેલને નવા અવતારમાં ફરી બજારમાં રજૂ કર્યું હતું. નવી સીએરાની એક્સ-શોરૂમ કિંમત આશરે ₹11.49 લાખથી શરૂ થઈને ₹21.29 લાખ સુધી જાય છે.

ડિઝાઇનની વાત કરીએ તો નવી ટાટા સીએરા આધુનિક લુક અને પ્રીમિયમ ફીચર્સ સાથે આવે છે. તેમાં કનેક્ટેડ LED DRLs, આકર્ષક બ્લેક ગ્રિલ, ફ્લશ ડોર હેન્ડલ્સ, મોટા એલોય વ્હીલ્સ અને સ્ટાઇલિશ એક્સટિરિયર આપવામાં આવ્યું છે. SUVના ઇન્ટિરિયરમાં ટ્રિપલ સ્ક્રીન ડેશબોર્ડ, JBL સાઉન્ડ સિસ્ટમ, ડોલ્બી એટમોસ સપોર્ટ, પેનોરેમિક સનરૂફ અને વેન્ટિલેટેડ સીટ્સ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી છે. સલામતીના મામલે પણ ટાટા સીએરા ખૂબ જ અદ્યતન છે. તેમાં 6 એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા, લેવલ-2 ADAS ટેકનોલોજી સહિત અનેક આધુનિક સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે મુસાફરોને વધુ સુરક્ષિત અનુભવ આપે છે.

પાવરટ્રેનની વાત કરીએ તો નવી સીએરા 1.5 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. બંને એન્જિન સારી પાવર અને પરફોર્મન્સ આપે છે. કંપની નજીકના ભવિષ્યમાં તેનું ઇલેક્ટ્રિક (EV) વર્ઝન પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. SUV લગભગ 10 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. વૈભવ સૂર્યવંશીની આ સિદ્ધિ દર્શાવે છે કે પ્રતિભા અને મહેનત સામે ઉંમર કોઈ અવરોધ નથી. ખૂબ જ નાની ઉંમરે તેમણે જે સફળતા હાંસલ કરી છે, તે દેશના લાખો યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.
ન બેટ પકડ્યું, ન બોલ ફેંક્યો છતાં આ 7 દિગ્ગજોએ RCBને બનાવ્યું IPL 2026 ચેમ્પિયન
