સોના-ચાંદીની કિંમતો તળિયે બેસતા જ બજારમાં મચી ગઈ ‘દોડધામ’, હવે બંને કીમતી ધાતુઓ ખરીદવી, વેચવી કે રાહ જોવી?
સોના અને ચાંદીના ભાવમાં અચાનક આવેલો મોટો કડાકો જોઈને રોકાણકારો ચોંકી ગયા છે. એવામાં અત્યારે આ બંને ધાતુ ખરીદવી, વેચી દેવી કે પછી થોડી રાહ જોવી? કિંમતોમાં આવેલો આ મોટો ઘટાડો કોઈ મોટી મુશ્કેલીની નિશાની છે કે પછી કમાણી કરવાની સુવર્ણ તક?

જો તમે સોનું અથવા ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કોમોડિટી માર્કેટમાંથી તમારા માટે એક મોટા અને રાહતના સમાચાર છે. જૂન 2026માં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવમાં થોડી નરમાશ આવવાને કારણે અને અમેરિકી ડૉલર મજબૂત થવાને લીધે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગ ઘટી છે, જેના કારણે સ્થાનિક બજારમાં કિંમતો ઝડપથી નીચે આવી છે. ભાવમાં આવેલો આ મોટો ઘટાડો (કરેક્શન) નવા રોકાણકારો માટે એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે.

જૂન મહિનાની શરૂઆતની સરખામણીએ સોના અને ચાંદીના ભાવમાં 6% થી 12% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. 1 જૂને સોનાનો ભાવ આશરે ₹1,54,908 પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે 21 જૂને આશરે ₹10,070 (5.60%) તૂટીને ₹1,46,230 ના સ્તર પર આવી ગયો છે. બીજીબાજુ, ચાંદીમાં પણ વધુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 1 જૂને ₹2,63,458 પ્રતિ કિલોગ્રામ પર રહેલી ચાંદી આશરે ₹30,448 (11.56%) ગગડીને ₹2,33,010 પ્રતિ કિલોગ્રામના સ્તર પર આવી ગઈ છે.

માસ્ટર કેપિટલના પુનીત સિંઘાનિયાના જણાવ્યા અનુસાર, 'જે રોકાણકારો પહેલાથી જ ઊંચા સ્તરે સોનું-ચાંદી ખરીદી ચૂક્યા છે, તેમણે આ ઘટાડાથી ગભરાઈને નુકસાન સાથે બહાર નીકળવું જોઈએ નહીં. છેલ્લા દોઢ વર્ષની શાનદાર તેજી પછી કોમોડિટી માર્કેટમાં આવો ઘટાડો આવવો સામાન્ય બાબત છે. સોનાનો લોન્ગ-ટર્મ સ્ટ્રક્ચરલ અપટ્રેન્ડ (લાંબાગાળાની તેજી) હજુ પણ અકબંધ છે, તેથી આને તમારી રણનીતિ બદલવાનો સંકેત ન સમજવો.'

ક્વોન્ટમ AMC ના ચિરાગ મહેતાના જણાવ્યા અનુસાર, 'સોનાના પોઝિટિવ આઉટલુકનો પાયો હજુ પણ મજબૂત છે. ETF રોકાણકારો માટે ખૂબ ઊંચા ભાવે ખરીદવા કરતાં બહેતર છે કે તેઓ વર્તમાન સ્તરે એન્ટ્રી કરે. બીજું કે, જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો ઓછો છે, તેઓ આ ઘટાડાનો લાભ ઉઠાવીને ધીમે-ધીમે ખરીદી કરી શકે છે. વર્તમાન બુલ રન (તેજીના ગાળા) માં આવી તકો ખૂબ ઓછી મળે છે.'

જો તમે આ ઘટાડાનો લાભ લેવા માંગતા હોવ, તો નિષ્ણાતોએ ત્રણ મુખ્ય રણનીતિઓ સૂચવી છે. સૌથી પહેલા તો, એકસાથે બધા નાણાં રોકવાને બદલે 'બાય ઓન ડિપ્સ' (દરેક ઘટાડા પર ખરીદી) ની રણનીતિ અપનાવો. કિંમતોમાં દરેક ઘટાડા પર થોડું-થોડું રોકાણ કરો. આના માટે ગોલ્ડ ETF (Gold ETFs) અથવા ડિજિટલ ગોલ્ડમાં એસઆઈપી (SIP) કરવી એ સૌથી સુરક્ષિત અને સરળ રસ્તો છે.

બીજો રસ્તો એ કે, પોર્ટફોલિયોમાં સોના-ચાંદીનો 10-15% હિસ્સો રાખો. નિષ્ણાતોના મતે, કોઈપણ સમજદાર રોકાણકારે પોતાની કુલ સંપત્તિ (એસેટ એલોકેશન) નો ઓછામાં ઓછો 10 થી 15 ટકા હિસ્સો સોના અને ચાંદી જેવી કીમતી ધાતુઓમાં રોકીને રાખવો જોઈએ, જે મુશ્કેલ સમયમાં પોર્ટફોલિયોને સ્થિરતા આપે છે.

છેલ્લે સોના-ચાંદીમાં શોર્ટ-ટર્મ નહીં લોન્ગ-ટર્મનો દ્રષ્ટિકોણ રાખો. કોમોડિટી વિશ્લેષક જેમ કે આનંદ રાઠીના વેદિકા નાર્વેકરનું માનવું છે કે, વર્ષ 2026 ના છેલ્લા ત્રિમાસિક ગાળા સુધીમાં સોના-ચાંદીના ભાવ ફરીથી પોતાના જૂના રેકોર્ડ સ્તરને સ્પર્શી શકે છે. આથી, વર્તમાન ઘટાડાને ટ્રેડિંગના બદલે લાંબાગાળાના રોકાણ તરીકે જુઓ.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સોનામાં રોકાણ કરવાની કઈ રીત છે ‘શ્રેષ્ઠ’ ? રિટર્નથી લઈને ટેક્સ સુધી… જાણી લો કયો વિકલ્પ છે ‘બેસ્ટ’
